
અમદાવાદના પાલડી વિસ્તારમાં ભુવો હોવાનો દાવો કરીને મહિલાના સોનાના દાગીના પડાવી લેવાના અને દવાના વેપારમાં લાખો રૂપિયાની છેતરપિંડી ( કરવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાસણા પોલીસ સ્ટેશનમાં ખ્યાતિ શાહે હર્ષ ઓઝા સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ દવાની કંપનીમાં MR તરીકે કામ કરતો હોવાનું કહી પરિવાર સાથે નજીકના સંબંધો બનાવ્યા બાદ પોતે ગોગા મહારાજનો ભુવો હોવાનું જણાવ્યું હતું.
ફરિયાદ મુજબ, ખ્યાતિ શાહની વાસણામાં શ્રી પાર્શ્વ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર નામની દવાની દુકાન હતી. વર્ષ 2023 દરમિયાન હર્ષ ઓઝા તેમની દુકાને આવ્યો હતો અને પોતે દવાની કંપનીમાં MR તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું. હર્ષ અવારનવાર દવાઓ આપતો હોવાથી ખ્યાતિ સાથે તેની ઓળખાણ વધી હતી. ખ્યાતિના પતિ પણ દવાનો હોલસેલ વેપાર કરતા હોવાથી હર્ષે મહેસાણાઅને પાટણના મેડિકલ સ્ટોરમાં દવાઓ પહોંચાડવાના વ્યવસાયની વાત કરી હતી.
હર્ષની વાત પર વિશ્વાસ આવતા ખ્યાતિના પતિએ તેની સાથે વ્યવસાય શરૂ કર્યો હતો. સમય જતાં હર્ષના પરિવાર સાથે પણ ખ્યાતિના પરિવારના સંબંધો વધ્યા હતા અને હર્ષ તેમના ઘરે પણ આવતો-જતો હતો.ફરિયાદમાં જણાવ્યા મુજબ, ખ્યાતિની દીકરી વારંવાર બીમાર રહેતી હતી. આ દરમિયાન હર્ષે તેમના ઘરમાં વાસ્તુદોષ હોવાનું કહી બીમારીનું કારણ ઘરનું વાસ્તુ હોવાનું જણાવ્યું હતું. ખ્યાતિએ આ અંગે પૂછતાં હર્ષે પોતે ગોગા મહારાજનો ભુવો હોવાનો દાવો કર્યો હતો અને વિધિ કરવાથી સમસ્યા દૂર થઈ જશે તેમ જણાવ્યું હતું.
હર્ષે મેડિકલ સ્ટોરમાં વિધિ કરવાનું કહ્યું હતું. વિધિ દરમિયાન સોનાનીવસ્તુઓ મુકવાનું (Gold Jewellery Fraud) કહેવામાં આવતાં ખ્યાતિએ ત્રણ-ચાર સોનાના દાગીના આપ્યા હતા. ફરિયાદ મુજબ, વિધિ પૂર્ણ થયા બાદ હર્ષ આ દાગીના પોતાની સાથે લઈ ગયો હતો. જોકે, ત્યારબાદ દાગીના પરત ન આપતાં મહિલાને શંકા ગઈ હતી.દાગીનાના મામલાની સાથે વ્યવસાયિક લેવડદેવડમાં પણ હર્ષે મોટી રકમ ચૂકવી ન હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. મેડિકલ સ્ટોરના બિલના આશરે રૂ.12.42 લાખ તેમજ ખ્યાતિના પતિ પાસેથી ધંધા માટે લીધેલી દવાઓના રૂપિયા પણ પરત ન આપ્યાનો આરોપ છે.
દાગીના પરત ન મળતાં અને દવાઓના લાખો રૂપિયા પણ ચૂકવવામાં ન આવતાં અંતે ખ્યાતિ શાહે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હર્ષ ઓઝા સામે ફરિયાદ નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હવે પોલીસ દ્વારા આરોપીએ ખરેખર ભુવો હોવાનો દાવો કરીને વિધિના બહાને દાગીના લીધા હતા કે નહીં, દવાઓની લેવડદેવડમાં કેટલી રકમ બાકી છે અને આ સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.