NPCB VI કાર્યક્રમ તથા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)અંતર્ગત લીમખેડાની શાળાઓમાં બાળકોને ૨૩ ચશ્માનું વિતરણ કરાયું

રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ અને દૃષ્ટિ ક્ષતિ નિવારણ કાર્યક્રમ અંતર્ગત બાળકોની આંખોની તંદુરસ્તી જળવાઈ રહે અને દૃષ્ટિ સંબંધિત સમસ્યાઓનું સમયસર નિદાન તથા નિવારણ થાય તે હેતુસર દાહોદ જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

લીમખેડા તાલુકાની મોડેલ સ્કૂલ તથા જવાહર નવોદય વિદ્યાલય ખાતે બાળકોની આંખોની તપાસ દરમિયાન રિફ્રેક્ટિવ એરર એટલે કે દૃષ્ટિની ખામી ધરાવતા બાળકોને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કામગીરી અંતર્ગત મોડેલ સ્કૂલ લીમખેડાના બાળકોને કુલ ૨૩ નંગ ચશ્માની ફાળવણી કરી વિતરણ કરવામાં આવ્યું હતું. RBSK ટીમ નિનામાના ખાખરીયા દ્વારા બાળકોની આંખોના નંબરની તપાસ કરી જરૂરિયાતમંદ બાળકોને યોગ્ય નંબરના ચશ્મા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

આવા કાર્યક્રમો દ્વારા શાળાના બાળકોમાં દૃષ્ટિની ખામીનું વહેલી તકે નિદાન કરી તેમને સમયસર સારવાર અને યોગ્ય ચશ્મા મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે છે. જેથી બાળકોના અભ્યાસ, વાંચન અને સર્વાંગી વિકાસમાં દૃષ્ટિની ખામીને કારણે કોઈ અવરોધ ન આવે.

જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને દૃષ્ટિ સંરક્ષણ માટે આવી કામગીરી સતત કરવામાં આવી રહી છે.