નસવાડી તાલુકાના કાંધા ગામ પાસે એક સ્લેબ ડ્રેઈન નીચેથી ધોવાણ થયા બાદ તેને તોડી પાડવાની કામગીરીને લઈ છેલ્લા ૩ દિવસથી ૧૫ કિલોમીટર લાંબો મુખ્ય સ્ટેટ હાઇવે રોડ બંધ કરી દેવાયો છે. ડાયવર્ઝન ન આપતાં હાલ એસ.ટી. બસો સહિતના વાહનો તેમજ ૫૦ ગામના લોકો હેરાન પરેશાન બન્યા છે.
છોટાઉદેપુર સ્ટેટ હાઇવે નસવાડી તાલુકા માટે જીવાદોરી સમાન છે. આ રોડ પરથી દરરોજ સેંકડો વાહનો પસાર થાય છે. કાંધા ગામ પાસે સ્લેબ ડ્રેઈન તોડી ત્યાં પાઇપ નાખી પુરાણ કરી રસ્તો શ કરવાનો હોવાની વાત કામગીરી સ્થળેથી જાણવા મળી હતી.
પરંતુ ત્યાં વૈકલ્પિક ડાયવર્ઝન આપ્યા વગર જ મુખ્ય રોડ બંધ કરી દેવાયો છે. રોડ બંધ હોવાને કારણે નસવાડીથી છોટાઉદેપુર તરફ જતી તેમજ અન્ય ગામોમાં જતી એસ.ટી. બસો બંધ થઈ ગઈ છે. જેના કારણે ૫૦ થી વધુ ગામના વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને અન્ય રસ્તે ૧૫ કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે.
નિયમ મુજબ કોઈપણ મુખ્ય રસ્તો બંધ કરતા પહેલાં કલેક્ટરનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે અને વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરાય છે. પરંતુ અહીં કોઈ પણ જાતના જાહેરનામા વગર જ રોડ બંધ કરી દેવાયો છે. તંત્રની આ બેદરકારીને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હવે પાઇપ નાખી રોડ શ કરાવતા પહેલાં ૩ દિવસ વીતી ગયા હોઇ લોકો જાય ક્યાંથી? છોટાઉદેપુર સ્ટેટ આર એન્ડ બી ના ઇજનેરોએ ધ્યાન ન આપી વિસ્તારના ગામડાના લોકોને જાણે બાનમાં લીધા હોય તેમ લોકો જણાવી રહ્યા છે. સ્લેબ ડ્રેઈન તોડતા પહેલાં તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન આપી રોડ શ કરવો જોઈએ પરંતુ તેમ ના થતાં વિસ્તારના લોકોમાં ભારે રોષ ઉઠ્યો છે.
પાઇપો નાખશે પછી પુરાણ થશે, ૩ દિવસ થયા રોડ બંધ છે જવાનું ક્યાંથી? ડાયવર્ઝન પહેલાં આપવું જોઈએ. કોતરમાં જેસીબી લઈ કાચો રસ્તો બનાવ્યો એમાં વાહનો ચાલતા નથી. જવાનું ક્યાંથી? રોડ બંધ કરી દીધો. પૂછ્યું તો કહે છે ઉપરથી રોડ બંધ કરાવ્યો છે. ગઢબોરિયાદ ફરીને નસવાડી જવું પડે છે. ખેડૂતોને સૌથી વધુ મુશ્કેલી પડી છે. કોઈ ધ્યાન આપતું નથી. ત્રણ દિવસ થયા, હજુ કામગીરી ચાલુ છે. રોડ બંધ હોઇ લોકો અટવાઈ રહ્યા છે.:- ચદુંભાઇ રાઠવા, સ્થાનિક…