છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અમરોલી, પાલસર અને ખોડિયા ગામમાંથી પસાર થતી માઈનોર કેનાલોની નર્મદા નિગમ દ્વારા સમયસર સફાઈ કરવામાં ન આવતા કેનાલોમાં મોટી સંખ્યામાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે.
હાલ નર્મદાની કેનાલોમાં સિંચાઈનુ પાણી છોડવાનો સમય નજીક આવી ગયો છે. કેનાલોની સફાઈ નહિ કરાતા ખેડુતોમાં ચિંતા વધી છે. કેનાલોમાં ઝાડી-ઝાંખરા વધી જવાથી જયારે પાણી છોડાશે ત્યારે પ્રવાહમાં અવરોધ ઉભો થઇ શકે છે. પરિણામે પાણી ધીમી ગતિએ આગળ વધશે અને ખેડુતોના ખેતરો સુધી સમયસર પાણી પહોંચી નહિ શકે તેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે. કેટલાક સ્થળોએ પાણીનો પ્રવાહ લાંબા સમય સુધી અટવાઈ રહે તો કેનાલને નુકસાન થવાની પણ શકયતા સેવાઈ રહી છે. નસવાડી, બોડેલી, સંખેડા તાલુકામાં છેલ્લા ૧૦ દિવસથી વરસાદ નહિ પડતા હાલમાં ખેતરોમાં ઉભા પાકને સિંચાઈના પાણીની જરિયાત ઉભી થઈ છે. ખેડુતો વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ વરસાદના અભાવે પાકને બચાવવા કેનાલનુ પાણી ખેડુતોના ઉભા પાક માટે મહત્વનુ બન્યુ છે.ખેડુતો દ્વારા નર્મદા નિગમના અધિકારીઓ સમક્ષ માઈનોર કેનાલની તાત્કાલિક સફાઈ કરાવવામાં આવે અને યોગ્ય રીતે પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.