
બાકોર પોલીસ મથકમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ બુટલેગર મિત્રના દારૂની હેરાફેરી કરતા ડીટવાસ પોલીસના હાથે રંગેહાથે ઝડપાઇ જતા ઘટનાએ પોલીસ વિભાગની પ્રતિષ્ઠા પર સવાલો ઉભા કર્યા હતા. પોલીસે દારૂના જથ્થા સાથે કુલ રૂા.1,22,142 નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ કોન્સટેબલ તથા બુટલેગર સામે ગુનો નોંધ્યો છે.
મહીસાગર જિલ્લામાં ખાખીની પ્રતિષ્ઠા પર દાગ લાગે તેવી કિસ્સો સામે આવ્યો છે. જેમાં જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકી લવાના ગામના પોતાના બુટલેગર મિત્ર કનુ માલીવાડનો વિદેશી શરાબનો જથ્થો રાજસ્થાનની સરહદમાંથી મહીસાગરમા ધુસેડવા બુટલેગર મિત્રની અલ્ટો કાર જી.જે.07-3351માં વિદેશી શરાબની 7 પેટીઓ મૂકીને રાજસ્થાનની સરહદ ઓળંગી ત્યાંથી ડીટવાસ ચેકપોસ્ટ વટાવી મહીસાગર જિલ્લામાં દાખલ થવાનો હતો.
ત્યારે ડીટવાસ પોલીસને મળેલ બાતમીના આધારે મોટી રાઠથી ઘાસવાડા રોડ ઉપર જઈ રહેલ આ અલ્ટો કાર રાકાકોટ ચોકડી પાસે પોલીસે ઘેરાબંધી કરીને ઝડપી પાડતા બાકોર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનો ખાખી પાછળનો બુટલેગર ચહેરો બહાર આવતા મહીસાગર પોલીસ તંત્રમા સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.જ્યારે ડીટવાસ પોલીસ તંત્રની ટીમના હાથે રંગેહાથ હેડ કોન્સ્ટેબલ ઝડપાઈ જતા ખાખી સમર્શર થઈ હતી. ડીટવાસ પોલીસે દારૂના જથ્થા સાથે કુલ રૂા.1,22,142 નો મુદ્દામાલજ્પત કરી ઝડપાયેલ કોન્સટેબલ તથા બુટલેગર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
દારૂનો કાયદો કડક બન્યો છે
મહીસાગર જિલ્લામાં એસપી તરીકે શફી હશને ચાર્જ સંભાળતા દારૂબંધી કાયદો કડક બન્યો છે. જિલ્લામા દારૂની હેરાફેરી કરતા અને દારૂનું વેચાણ કરતા બૂટલેગરો ભૂગર્ભ ભેગા થયા છે. અગાઉ અન્ય જિલ્લાના દારૂ રસિયાઓ મહીસાગર તરફ દોડી આવતા હતા. પરંતુ નવા એસપી ના આગમન બાદ ઉલટી ગંગા જોવા મળી હતી. અત્યારે મહીસાગરના દારૂ રસિયાઓ અન્ય જિલ્લામાં દારૂની મેજબાની માણવા પહોંચી છે. ત્યારે જિલ્લામા દારૂ બંધીનો અમલ સખ્તાઇ પૂર્વક થઈ રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું છે.