
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અને મિશન મંગલમ જેવી યોજનાઓ થકી મહિલાઓ આર્થિક રીતે પગભર બની રહી છે: જીલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર
મહીસાગર જીલ્લાના બાલાસિનોર સી એન્ડ એસ એચ દેસાઇ આર્ટસ એન્ડ એલ.કે.એલ દોશી કોમર્સ કોલેજ, સભાગૃહ ખાતે આજે ‘નારી વંદન ઉત્સવ ૨૦૨૬’ ની ભવ્ય ઉજવણીના ભાગપે મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે જીલ્લા કક્ષાના મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં બહેનોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે સરકારની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપવાની આવી હતી. આ મેળામાં મોટી સંખ્યામાં મહિલા લાભાર્થીઓ અને વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા.

કાર્યક્રમને સંબોધતા મહીસાગર જીલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વમાં ગુજરાતની નારીઓ આજે માત્ર ઘરના ઉંબરા સુધી સીમિત નથી રહી, પરંતુ દેશના આર્થિક અને સામાજીક વિકાસનું મજબૂત એન્જિન બની ચૂકી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય સરકારે હંમેશા મહિલાઓને માત્ર ‘લાભાર્થી’ તરીકે જોવાને બદલે તેમને ’વિકાસના ભાગીદાર’ બનાવવાનું કામ કર્યું છે. જ્યારે કોઈ એક બહેન આર્થિક રીતે સક્ષમ બને છે ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં પણ આખો પરિવાર અને ગામ આત્મનિર્ભર બને છે. કારણ કે, મહિલાઓમાં વ્યવસ્થાપન અને કુશળતા જન્મજાત હોય છે.

મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટેની સરકારી યોજનાઓ પર પ્રકાશ પાડતા પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY) હેઠળ મહિલા સ્વસહાય જૂથોને શૂન્ય ટકા વ્યાજે રૂ. ૧ લાખ સુધીની લોન આપીને નાના વ્યવસાયો શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મિશન મંગલમ અને સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલી પ્રોડક્ટ્સને હવે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા વૈશ્વિક ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સ્થાન મળે તે માટે સરકાર આર્થિક અને તકનીકી સહાય પૂરી પાડી રહી છે. મહિલા સ્વાવલંબન યોજના હેઠળ બ્યુટી પાર્લર, દરજીકામ અને ગૃહઉદ્યોગ જેવા ૩૦૦થી વધુ વ્યવસાયો માટે લોન-સબસિડીની વ્યવસ્થા ઉપલબ્ધ છે, જેનો લાભ લઈ બહેનો પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે.
આ સ્વરોજગાર મેળામાં રોજગારીની પ્રત્યક્ષ તકો પૂરી પાડવા માટે જે.એસ.ડબલ્યુ., એમ.જી. મોટર-હાલોલ, અરવિંદ પ્રાઇવેટ લિમિટેડ-કલોલ, આર.બી. કાર્ડ્સ-લુણાવાડા, જગદંબા હર્બલ અને એમ.આર.એફ. ટાયર-દહેજ જેવી નામાંકિત કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં હાજર રહેલી મહિલા ઉમેદવારોએ આ કંપનીઓના પ્રતિનિધિઓ સમક્ષ ઇન્ટરવ્યુ આપ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, બાલાસિનોર નગરપાલિકા પ્રમુખ ગાયત્રીબેન ત્રિવેદી, એપીએમસી બાલાસિનોરના ચેરમેન, મહિલા અને બાળ અધિકારી એમ.વી. રોઝ, કુવરભાઈ ભરવાડ, પ્રોટેક્શન ઓફિસર પંકજભાઈ પટેલ તેમજ બાલાસિનોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમે જીલ્લાની બહેનોમાં આત્મનિર્ભરતા પ્રત્યે એક નવો ઉત્સાહ જગાડ્યો છે.
