મહેસાણા મનપાની પ્રથમ સામાન્ય સભામાં હોબાળોઃ ભાજપ મહામંત્રીએ કમિશનરને કહ્યું ‘સાહેબ, ૫ મિનિટ બહાર જાવ’

મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય સભા રાજકીય વિવાદ અને હોબાળાને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. સામાન્ય સભા દરમિયાન કમિટીઓની રચના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી, જેના કારણે સભાનું વાતાવરણ ગરમાયું હતું.

વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ભાજપના મહામંત્રી ભગાજી ઠાકોર કમિટીઓના સભ્યોના નામ જાહેર કરવા માટે ઊભા થયા હતા. આ દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો હતો. સભા દરમિયાન ભગાજી ઠાકોરે કમિશનર, ડેપ્યુટી કમિશનર અને અન્ય અધિકારીઓને થોડા સમય માટે બહાર બાજુના ચેમ્બરમાં જવા અને પક્ષને આંતરિક ચર્ચા કરવાની તક આપવા અંગે કરેલી ટિપ્પણી બાદ મામલો વધુ ગરમાયો હતો.

વિપક્ષે આ ઘટનાને લોકશાહી પ્રક્રિયા વિરુદ્ધ ગણાવી હતી. કોંગ્રેસના કોર્પોરેટર અમિત પટેલે જણાવ્યું હતું કે સામાન્ય સભા કોઈ રાજકીય પક્ષની બેઠક નથી અને સભાના સંચાલન માટે નક્કી કરાયેલા નિયમોનું પાલન થવું જરૂરી છે. તેમણે આ ઘટનાને લોકશાહી મૂલ્યો માટે યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ ભાજપના મહામંત્રી ભગાજી ઠાકોરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પક્ષના જવાબદાર હોદ્દેદાર તરીકે તેઓએ માત્ર પાર્ટીનું મેન્ડેટ દંડકને સોંપવાની પ્રક્રિયા અંગે વાત કરી હતી. તેમના કહેવા મુજબ વિપક્ષ દ્વારા અનાવશ્યક હોબાળો કરવામાં આવ્યો હતો.

સભા દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ વહીવટી અને વિકાસલક્ષી ઠરાવો પણ મંજૂર કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના કાયમી કર્મચારીઓ માટે એનપીએસ કપાત અને ઉચ્ચત્તર પગારધોરણની માંગણીઓને મંજૂરી આપવામાં આવી હતી. ફાયર વિભાગમાં ખાલી જગ્યાઓ પર ભરતીને મંજૂરી આપવામાં આવી હતી તેમજ મૃત્યુ પામેલા કર્મચારીઓના વારસદારોને રહેમરાહે નોકરી આપવાના ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા હતા.

શહેરના વિકાસને ગતિ આપવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રસ્તા, પેવરબ્લોક, સ્ટ્રીટલાઈટ, રીચાર્જ વેલ અને ભૂગર્ભ ગટર સહિતના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. ખાસ કરીને ગરીબ અને પછાત વર્ગની સોસાયટીઓને વિશેષ રાહત આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

સભામાં ટાઉન પ્લાનિંગ, કરવેરા, જાહેર આરોગ્ય, જાહેર બાંધકામ, મહિલા અને બાળ વિકાસ, ફાયર, શિક્ષણ સહિતની વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી હતી.

પ્રથમ સામાન્ય સભામાં સર્જાયેલા વિવાદે મહેસાણા મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિ અને નિયમોના પાલન અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. જોકે વિકાસલક્ષી અનેક નિર્ણયો સાથે સભાનો અંત આવ્યો હતો.