લીમખેડાના વાંકોલ ગામના પુલના કામમાં ભ્રષ્ટાચારની બૂમ : લાખોના ટેન્ડરમાં થર્મોકોલ’ પધરાવી જનતાના જીવ સાથે ખીલવાડ ?

સરકાર દ્વારા વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારનો વધુ એક જીવતો-જાગતો પુરાવો લીમડી-લીમખેડા રોડ પર આવેલા વાંકોલ ગામમાં સામે આવ્યો છે. વાંકોલ ગામ પાસે અત્યંત જર્જરિત બની ગયેલા પુલના સમારકામ (રિપેરિંગ) માટે સરકાર દ્વારા લાખો ‚પિયાનું બજેટ ફાળવી ટેન્ડર તો પાસ કરાયું, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા જનતાના ટેક્સના પૈસા પાણીમાં વહાવીને લોટ-પાણીને લાકડા જેવી હલકી કક્ષાની કામગીરી કરાતી હોવાની વ્યાપક રાડ ઉઠી છે.

હાલ આ પુલની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ડુંગરીથી લીમડી રોડ પરથી પસાર થતાં આ કામગીરીનું ઓચિંતુ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, પુલના મજબૂત બાંધકામની જગ્યાએ કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે થર્મોકોલનો ઉપયોગ કરીને આજુબાજુમાં માલ (સિમેન્ટ-કોંક્રિટ)ભરીને ભ્રષ્ટાચાર પર પડદો પાડવાનો ખુલ્લેઆમ પ્રયાસ થઈ રહ્યો છે.

કામગીરીની હલકી ગુણવત્તા જોઈને લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સરકાર વિકાસના નામે જનતાને માત્ર લોલીપોપ આપી રહી છે. લાખોના ખર્ચે બનતા આ પુલમાં અત્યંત હલકી ગુણવત્તાનું બિન-ટકાઉ મટીરીયલ્સ વપરાઈ રહ્યું છે. જો પુલના પાયામાં જ થર્મોકોલ વપરીને વેઠ ઉતારવામાં આવતી હોય, તો આ પુલ કેટલા સમય સુધી ટકાઉ અને સુરક્ષિત રહેશે? આ સીધેસીધું જનતાના પૈસાનું વેડફાણ છે અને લોકોના જીવને જોખમમાં મૂકવાનું પાપ છે.