લીમડી અને ઝાલોદમાં કોંગ્રેસની આક્રમક રેલી: વોટ ચોરીમુદ્દે ચૂંટણી પંચના કમિશનરના રાજીનામાની માંગ સાથે વિરોધ યાત્રા યોજાઈ

દાહોદ જીલ્લાના લીમડી અને ઝાલોદ ખાતે દાહોદ જીલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે વોટ ચોરીના ગંભીર મુદ્દાને લઈને એક વિશાળ વિરોધ યાત્રા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન ચૂંટણી પંચ સામે આક્રમક રોષ ઠાલવવામાં આવ્યો હતો અને ચૂંટણી પંચના કમિશનર જ્ઞાનેશકુમાર તાત્કાલિક ધોરણે રાજીનામું આપે તેવી માંગ સાથે જોરદાર સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. આ યાત્રા લીમડી અને ઝાલોદ નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે સરકાર અને ચૂંટણી પંચ વિરોધી નારેબાજી કરી હતી. લોકશાહીની રક્ષા અને મતદાન પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાની માંગ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નીનામા, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના સિનિયર ઉપપ્રમુખ સંજય નિનામા, પૂર્વ ધારાસભ્યડો. મિતેશ ગરાસીયા તેમજ પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ દિગ્ગજ નેતાઓ ની આગેવાનીમાં લીમડી અને ઝાલોદ તાલુકા અને જીલ્લા ભરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા. જેને પગલે નગરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.