પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન પણ હોય જ, જરૂર છે તો ફક્ત પ્રયત્નોની-મહેનતની-જવાબદારીની-સંયુક્ત સચિવ કે.કે.નિરાલા
દાહોદ જીલ્લાના દાહોદ ખાતે આવેલ ટ્રાયબલ મ્યુઝિયમ ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે. કે. નિરાલાના અધ્યક્ષ સ્થાને પ્રધાન મંત્રી ધન ધાન્ય કૃષિ યોજના વિશે ચિંતન શિબિર યોજવામાં આવી હતી. આ દરમ્યાન કલેકટર યોગેશ નિરગુડે, જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા સહિત પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના ઉપસ્થિત રહ્યા હતા.
દિપ પ્રાગટ્ય થકી શરૂ થયેલ આ શિબિરમાં દાહોદ જીલ્લા ખેતીવાડી અધિકારી તેમજ લાયઝન અધિકારી પથિક દવે એ સંયુક્ત સચિવ કે. કે. નિરાલા સહિત ઉપસ્થિત સૌ અધિકારીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સાથે કલેકટર યોગેશ નિરગુડેએ સંયુક્ત સચિવનું પુસ્તક આપીને સ્વાગત કર્યું હતું.
શિબિરની શરૂઆતમાં સંયુક્ત સચિવએ ઉપસ્થિત સૌ દાહોદ જીલ્લા કક્ષાના અધિકારીઓ પાસેથી વિભાગીય કામગીરી ની જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન આપવા સહિત સમીક્ષા કરી હતી. એ સાથે વિભાગીય કામગીરીનું સ્ટેટસ લેવલ સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટેની સૂચના આપી હતી.
આ સાથે પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પ્રાકૃતિક ખેતી કરતા હોય તેમજ પશુપાલન કરતા હોય તેઓ સાથે સંવાદ કરીને તેમની કામગીરી સહિત ખેડૂતોના અનુભવો અને સંબંધિત વિભાગો સાથેના તેમના પ્રતિભાવ જાણ્યા હતા.
આ દરમ્યાન જીલ્લા ખેતીવાડી અધિકારી પથિક દવે એ દાહોદ જીલ્લાની બેઝિક જાણકારી પ્રેઝન્ટેશન થકી રજૂ કરી હતી. જેમાં એગ્રીક્લચર પ્રવૃતિઓ, પ્રધાન મંત્રી ધન ધાન્ય કૃષિ યોજના, કૃષિ વિભાગની યોજનાઓ, જીલ્લા કક્ષાએ કરવાની થતી કામગીરી સહિત આંકડાકીય માહિતી રજૂ કરી હતી.
દાહોદ કલેકટર યોગેશ નિરગુડે તેમજ જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા એ દાહોદ જીલ્લા વિશે પ્રાથમિક જાણકારી જેવી કે, સિંચાઈ, લોકોને પીવાના પાણી માટેના વિવિધ પ્રોજેક્ટ્સ વિશે વિગતે જાણકારી આપી હતી. પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન પણ હોય જ, જરૂર છે તો ફક્ત પ્રયત્નોની-મહેનતની-જવાબદારીની એમ કહેતાં સંયુક્ત સચિવ કે. કે. નિરાલા એ સૌ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ દરમ્યાન ડી.આર.ડી.એ. નિયામક, આણંદ કૃષિ યુનિવર્સીટીથી આવેલ અધિકારી, કે.વી.કે.ના અધિકારી સહિત દાહોદ જીલ્લાના અભ્યાસ અર્થે આવેલ તાલીમી અધિકારીઓ, સંબંધિત અધિકારીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.