
કવાંટ નગરમાં જાહેર પુસ્તકાલયના મુખ્ય ગેટ પાસે આજે સવારે દારૂની ખાલી બોટલો અને બિયરના ટીન મળી આવતા સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. આ ઘટના પુસ્તકાલય ખુલતા જ સામે આવી હતી.
કવાંટ નગરના મધ્યમાં આવેલું આ પુસ્તકાલય વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનું કેન્દ્ર છે. અહીં રોજ સવાર-સાંજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાંચવા આવે છે. પુસ્તકાલયની એક તરફ મંદિર પણ આવેલું છે.
આજે સવારે પુસ્તકાલય ખુલતા જ ગેટ પાસે ૩ થી ૪ ખાલી દારૂની બોટલો અને બિયરના ટીન વિખરાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. પુસ્તકાલયમાં આવતા વિદ્યાર્થીઓએ આ દ્રશ્ય જોઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી સાંજ ઢળ્યા બાદ પુસ્તકાલયની આસપાસ અંધારાનો લાભ લઈને કેટલાક અસામાજિક તત્વો દારૂ પીવા માટે એકઠા થાય છે. પુસ્તકાલય પાસે સ્ટ્રીટ લાઈટ અને સીસીટીવી કેમેરાનો અભાવ હોવાથી તેમને આવી પ્રવૃત્તિઓ કરવા માટે મોકળું મેદાન મળી ગયું છે.
એક વિદ્યાર્થીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, આવા દ્રશ્યો જોઈને વિદ્યાર્થીઓને, ખાસ કરીને દીકરીઓને, પુસ્તકાલયમાં આવવામાં અસુરક્ષા અનુભવાય છે.
આ મામલે નગરજનોએ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. તેમની મુખ્ય માંગણીઓમાં પુસ્તકાલય અને મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવવા, રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવું, અને દા પીને ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવી શામેલ છે.
આ ઘટના જ્ઞાનના કેન્દ્ર સમા પુસ્તકાલયના પરિસરમાં આવી પ્રવૃત્તિઓ થવા દેવા સામે ગંભીર સવાલો ઉભા કરે છે. તંત્ર આ બાબતે શું પગલાં લે છે તે જોવું રહ્યું.