કડાણાના સાળિયા મુવાડી ગામની સરકારી જમીનમાં ૨૫ ઉપજાઉ વૃક્ષોનુ નિકંદન કરતા એપીએમસી ચેરમેન સહિત ૮ ને નોટિસ

કડાણાના સાળિયા મુવાડી ગામની સરકારી પડતર જમીન પચાવી પાડવા ૨૫ ધટાદાર લીલા વૃક્ષોનુ ગેરકાયદેસર નિકંદન કરી નાંખવામાં આવ્યુ છે. આ મામલે તંત્ર દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને સેક્રેટરી સાથે સંડોવાયેલા અન્ય ઈસમો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા સ્થાનિક સ્તરે ભારે ચર્ચાએ જોર પકડ્યુ છે.

કડાણા-સંતરામપુર મુખ્ય માર્ગને અડીને આવેલી અને સળિયામુવાડી ગ્રામ પંચાયત કચેરી નજીક સરકારી પડતર જમીન આવેલી છે. ત્યારે ગ્રામ પંચાયતની મંજુરી વગર ફળાવુ ૨૫ ધટાદાર લીલા વૃક્ષોનુ ગેરકાયદેસર રીતે નિકંદન કરી નાંખવામાં આવ્યુ છે. જે સ્થળ પરના લીલા વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે. તે જમીન વાસ્તવમાં મામલતદાર કચેરીના સ્ટાફના રહેણાંક હેતુ ફાળવવામાં આવી છે. જયારે આ સ્થળની બિલકુલ બાજુમાં ખેતીવાડી વિભાગે કડાણા એપીએમસી સેન્ટરના બાંધકામ માટે જગ્યા ફાળવેલી છે. ખેતીવાડી વિભાગ અને સંબંધિત ઈસમો દ્વારા ખેતીવાડી એપીએમસી સેન્ટરની આસપાસની જગ્યા પર પોતાનો ભોગવટો મળી રહે તે ઈરાદાથી આ ગેરકાયદેેસર વૃક્ષ છેદનનુ કૃત્ય આચરવામાં આવ્યુ હોવાની ચર્ચાઓ ઉઠી છે. ત્યારે વિકાસના નામે પર્યાવરણની હત્યા કરી સરકારી મિલ્કત પર કબ્જો જમાવવાની આ કારસ્તાને લોકોમાં રોષ ફેલાવ્યો છે. ધટનાની ગંભીરતાને ધ્યાને લઈ કડાણા મામલતદાર દ્વારા કડાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન, સેક્રેટરી સહિતના ૮ જવાબદાર ઈસમોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.