જો પતિ અને પત્ની બંને કમાતા હોય, તો બંનેએ ઘરનો ખર્ચ અને બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવો જોઈએ,બોમ્બે હાઈકોર્ટ

બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે કે સમાનતાનો દાવો પસંદગીપૂર્વક કરી શકાતો નથી, અને જા પતિ અને પત્ની બંને કમાતા હોય, તો તેઓએ ઘર ચલાવવા અને બાળકોને શિક્ષણ આપવાનો ખર્ચ વહેંચવો જાઈએ. કોર્ટે આ અવલોકન કર્યું હતું, જ્યારે અલગ થયેલી પત્ની અને સગીર પુત્ર માટે માસિક ભરણપોષણની રકમ ઘટાડી હતી. ગયા અઠવાડિયે તેના આદેશમાં, જસ્ટિસ એમ.એમ. સાથયેની સિંગલ બેન્ચે જાન્યુઆરી ૨૦૨૫ ના ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો હતો જેમાં પતિને તેની પત્ની અને પુત્ર માટે ભરણપોષણ તરીકે દર મહિને ૫૦,૦૦૦ ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટે આ રકમ ઘટાડીને ૨૫,૦૦૦ પ્રતિ મહિને કરી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે, “પતિ મુંબઈના અંધેરી સ્થિત ઘર માટે ઇએમઆઇ ચૂકવી રહ્યો છે, જ્યાં તેની પત્ની અને પુત્ર રહે છે, અને નવી મુંબઈના પનવેલમાં બીજા ઘર માટે પણ ઈએમઆઇ ચૂકવી રહ્યો છે. તે પોતે બિહારમાં રહે છે.” કોર્ટે જણાવ્યું હતું કે પત્ની બંને ઘરોના ઈએમઆઇમાં ફાળો આપી રહી નથી.

પોતાની અરજીમાં, પતિએ વિનંતી કરી હતી કે માસિક ભરણપોષણની રકમ ૫૦,૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૨૫,૦૦૦ રૂપિયા કરવામાં આવે. તેમણે વિનંતી કરી હતી કે તેની પત્ની બિહારમાં તેની સાથે રહે, અથવા ઓછામાં ઓછું પનવેલના ઘરમાં રહે, જેથી તે અંધેરીનું ઘર વેચી શકે અને તેનો આર્થિક બોજ ઓછો કરી શકે. જોકે, પત્નીએ ઇનકાર કર્યો હતો.

હાઇકોર્ટે જણાવ્યું હતું કે પતિની માંગમાં કંઈ ગેરવાજબી નહોતું. કોર્ટે જણાવ્યું હતું કે જા પત્ની ઈએમઆઇ ચૂકવ્યા વિના અથવા નાણાકીય યોગદાન આપ્યા વિના અંધેરી જેવા મોંઘા વિસ્તારમાં રહેવાની વૈભવી ઈચ્છતી હોય, તો પતિ દ્વારા સંપૂર્ણ ઈએમઆઇ ચૂકવતી વખતે ઓછી ભરણપોષણની રકમની માંગણી ખોટી ગણી શકાય નહીં.

કોર્ટે કહ્યું, “સમાનતાનો દાવો પસંદગીપૂર્વક કરી શકાતો નથી, ખાસ કરીને જ્યારે બંને પક્ષો કમાતા હોય.” કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો પતિ અને પત્ની બંને કમાય છે અને ઇચ્છે છે કે તેમના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ મળે, તો તેમણે બંનેએ તેમના બાળકના શિક્ષણનો ખર્ચ વહેંચવો જોઈએ.

પતિએ કોર્ટને જણાવ્યું હતું કે કોવિડ-૧૯ મહામારી દરમિયાન તેણે પોતાની નોકરી ગુમાવી દીધી હતી અને હવે તે પહેલા કરતા ઓછા પગારવાળી નોકરી કરી રહ્યો છે, જેના કારણે આર્થિક દબાણ વધી રહ્યું છે. કોર્ટે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ મહામારીએ ઘણા લોકોના રોજગાર અને વ્યવસાયોને અસર કરી હતી, તેથી પતિની આવકમાં ઘટાડો સ્પષ્ટપણે વાજબી હતો.

એ નોંધવું જાઈએ કે છ મહિના પહેલા, સુપ્રીમ કોર્ટ છૂટાછેડાના કેસની સુનાવણી કરી રહી હતી જેને કોર્ટે પોતે “દુર્લભ” સમાધાન તરીકે વર્ણવ્યું હતું, કારણ કે પત્નીએ કોઈ પૈસાનો દાવો કર્યો ન હતો. પત્નીએ ભરણપોષણ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને તેની સાસુના બંગડીઓ પણ પરત કરી હતી.