
અડગ શ્રદ્ધા અને હિંમત સાથે જેઠીબેને પરિવાર સાથે મહાકાળી માતાના દર્શન કર્યા, શ્રદ્ધાળુઓ આશ્ચર્યચકિત
પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તિ અને શ્રદ્ધાનું અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. જામનગરના આમરા ગામના ૧૦૨ વર્ષીય જેઠીબેન ભગવાનજી કણજારીયાએ પરિવાર સાથે પાવાગઢના પગથિયાં ચડીને મહાકાળી માતાજીના દર્શન કર્યા હતા. તેમની ઉંમર અને ઉત્સાહ જોઈને પાવાગઢમાં આવેલા શ્રદ્ધાળુઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ધાર્મિક વિધિ માટે પરિવાર સાથે પાવાગઢ પહોંચ્યાં પરિવારની ત્રીજી પેઢીના બાળકને સાકર સાથે તોલવાની ધાર્મિક વિધિ માટે જેઠીબેન પરિવારજનો સાથે પાવાગઢ પહોંચ્યા હતા. આ પ્રસંગને યાદગાર બનાવતાં તેમણે ૧૦૨ વર્ષની ઉંમરે પણ કોઈ સહારો લીધા વિના પરિવાર સાથે પાવાગઢના પગથિયાં ચડવાની હિંમત કરી હતી. લાંબી અને પડકારજનક ચઢાણ હોવા છતાં તેમના ઉત્સાહ અને શ્રદ્ધામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો.
અડગ આસ્થા સાથે માતાજીના દર્શન કર્યા જેઠીબેનની આ યાત્રા માત્ર ધાર્મિક દર્શન પૂરતી મર્યાદિત રહી નહોતી, પરંતુ તેમની અડગ આસ્થા અને આત્મવિશ્ર્વાસે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઉંમરનો બોજ શરીર પર હોવા છતાં મનમાં રહેલી શ્રદ્ધા અને મહાકાળી માતા પ્રત્યેની ભક્તિના બળે તેમણે પાવાગઢની ચઢાણ પૂર્ણ કરી માતાજીના દર્શન કર્યા હતા.
શ્રદ્ધાળુઓમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર પાવાગઢમાં જેઠીબેનને પગથિયાં ચડતા જોઈને અનેક શ્રદ્ધાળુઓએ તેમની હિંમતને બિરદાવી હતી. ૧૦૨ વર્ષની ઉંમરે આટલી ઊર્જા અને ઉત્સાહ સાથે ધાર્મિક યાત્રા કરવી સૌ માટે આશ્ચર્યની વાત બની હતી. અનેક લોકો તેમની સાથે વાતચીત કરવા તેમજ તેમના આશીર્વાદ લેવા પણ આતુર બન્યા હતા. જેઠીબેનની આ યાત્રા આજની નવી પેઢી માટે પણ પ્રેરણાપ બની છે. ઉંમર વધતી જાય તો પણ મનમાં શ્રદ્ધા, આત્મવિશ્ર્વાસ અને હિંમત હોય તો મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી શકાય છે, તેનો જીવંત દાખલો જેઠીબેને આપ્યો છે.
શ્રદ્ધા હોય તો ઉંમર પણ અડચણ નથી બનતી ૧૦૨ વર્ષની ઉંમરે પાવાગઢના પગથિયાં ચડી મહાકાળી માતાના દર્શન કરનાર જેઠીબેન ભગવાનજી કણજારીયાની ભક્તિ અને હિંમત હાલ ચર્ચાનો વિષય બની છે. તેમની આસ્થા અને ઉત્સાહે સાબિત કર્યું છે કે, મનમાં સાચી શ્રદ્ધા અને હિંમત હોય તો ઉંમર પણ ભક્તિના માર્ગમાં અડચણ બની શકતી નથી.