
ગોધરા તાલુકાના નાના રણછોડપુરા ગામે મોબાઈલ ચાર્જર કાઢતી વખતે વીજ કરંટ લાગવાથી ૧૭ વર્ષીય કિશોરનું મૃત્યુ થયું છે. ખરસાલીયા ગામના ગૌરવ કુમાર શૈલેષભાઈ સોલંકી આ ઘટનાનો ભોગ બન્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગૌરવ કુમાર નાના રણછોડપુરા ગામે તેમના ઘરે સ્વિચ બોર્ડમાંથી મોબાઈલનું ચાર્જર એડેપ્ટર કાઢી રહ્યા હતા. આ દરમિયાન અકસ્માતે તેમનો હાથ પ્લગના સંપર્કમાં આવતા તેમને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો.
વીજ કરંટ લાગતા ગૌરવ જમીન પર પટકાયા હતા. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું અવસાન થયું હતું.
આ ઘટનાને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે. ખરસાલીયા અને નાના રણછોડપુરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ આ દુર્ઘટના અંગે ચર્ચા છે.