
તેજગઢ સામાં કાંઠે આવેલ હરવાંટ ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને નાની સિંચાઈ યોજના હેઠળના તળાવની કેનાલના અધૂરા કામ અને કોન્ટ્રાક્ટરના ફરાર થવાની ગંભીર ફરિયાદ કરી છે. કામ અધૂરું છોડીને કોન્ટ્રાક્ટર ભાગી જવાથી હરવાંટ અને અમરોલ ગામના ખેડૂતો સિંચાઈ સુવિધાથી વંચિત રહી ગયા છે.
આપેલા આવેદનમાં ખેડૂતોએ જણાવ્યું છે કે હરવાંટ ગામે નાની સિંચાઈ યોજના હેઠળ તળાવની કેનાલનું કામ શરૂ કરાયું હતું. માત્ર માટીનું કામ કરીને કોન્ટ્રાક્ટરે કામ બંધ કરી દીધું હતું. સિંચાઈ વિભાગને જાણ કરતાં કોન્ટ્રાક્ટરને બે વખત નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ કોન્ટ્રાક્ટરે મશીનો લઈને કામ શરૂ કર્યું હતું.
ડીઝલ ન મળવાનું બહાનું આપીને ફરીથી કામ અધૂરું મૂકીને તે ફરાર થઈ ગયો છે. ખેડૂતોએ માંગ કરી છે કે કેનાલનું કામ સમયસર પૂર્ણ કરવામાં આવે. પાણી ખેતરો સુધી પહોંચાડવામાં આવે. જેથી તેઓ સિંચાઈનો લાભ લઈ શકે. હરવાંટ ગામે આ સિંચાઈ તળાવ અને કેનાલનું કામ આશરે રૂા. 1.32 કરોડના ખર્ચે ચાલી રહ્યું છે.
આ યોજનાથી હરવાંટ અને આસપાસના અમરોલ વિસ્તારની આશરે ૪૦૦ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળવાનો છે. આવી યોજનાઓ છોટાઉદેપુર જીલ્લામાં ખેડૂતોની આવક વધારવા અને આદિવાસી વિસ્તારોમાં કૃષિ વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
કોન્ટ્રાક્ટરોની બેદરકારી ખેડૂતો માટે મોટી સમસ્યા બની જીલ્લામાં સિંચાઈ કેનાલોની જર્જરિત હાલત, અધૂરા કામ અને કોન્ટ્રાક્ટરોના ફરાર થવાની ફરિયાદો વારંવાર સામે આવતી રહે છે. અમલીકરણમાં વિલંબ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી ખેડૂતો માટે મોટી સમસ્યા બની રહી છે. આ અરજીની તપાસ કરીને જીલ્લા વહીવટી તંત્ર, સિંચાઈ વિભાગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવી જોઈએ.ુ