
છોટાઉદેપુર જીલ્લા કલેક્ટર ગાર્ગી જૈને આજે માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂં પાડ્યું છે. તેમણે માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી એક મહિલાને સમયસર સારવાર મળી રહે તે માટે પ્રશંસનીય કામગીરી કરી હતી.
મળતી માહિતી મુજબ, આજે સવારે કલેક્ટર ગાર્ગી જૈન જાગનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને પોતાની કચેરી તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં પાદરવટ ગામના નીતાબેન રાઠવા અકસ્માતમાં ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા હતા. કલેક્ટરે તાત્કાલિક પોતાનું વાહન અટકાવ્યું હતું.
કલેક્ટરે સ્થળ પર પહોંચી મહિલાની સ્થિતિ અંગે પૂછપરછ કરી અને જરી માહિતી મેળવી હતી. પ્રાથમિક તપાસમાં મહિલાને માથાના તેમજ હાથના ભાગે ઇજાઓ પહોંચી હોવાનું જણાયું હતું. સમયનો વિલંબ કર્યા વિના, કલેક્ટરે ઇજાગ્રસ્ત મહિલાને પોતાની સરકારી ગાડીમાં બેસાડી સીધા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડી હતી. આનાથી મહિલાને ઝડપથી અને યોગ્ય તબીબી સારવાર મળી શકી. આ ઘટનાએ છોટાઉદેપુર કલેક્ટરના માનવીય અભિગમ અને લોકો પ્રત્યેની સંવેદનશીલતાને ઉજાગર કરી છે.