બોડેલી ખત્રી વિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ છોડ રોપી જતન કરવાની પ્રતિજ્ઞા લીધી

બોડેલી ગામ સ્થિત ખત્રી વિદ્યાલય ખાતે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાનના આહવાનથી પ્રેરિત હતો. તેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્ર્વિક સમસ્યા સામે લડવા માટે યોગદાન આપવાનો હતો.

આ કાર્યક્રમ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીથી ઉપસ્થિત એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ક્રિષ્ના પાંચાણીની અધ્યક્ષતામાં યોજાયો હતો. શાળાના આચાર્ય, ટ્રસ્ટી મંડળ, સામાજીક કાર્યકર યાસ્મીનબેન મન્સુરી અને અન્ય આમંત્રિત મહેમાનો પણ હાજર રહ્યા હતા.

શાળાના વિશાળ પટાંગણમાં લીમડો, વડ, પીપળો, તુલસી, ગુલમહોર જેવા વિવિધ ઔષધીય અને છાયા વૃક્ષોના રોપાઓ વાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહપૂર્વક પોતાની માતાના નામે એક-એક છોડ રોપ્યો હતો.

વિદ્યાર્થીઓએ માત્ર વૃક્ષ વાવવા પૂરતું નહીં, પરંતુ તેનું નિયમિત જતન કરવાની પણ પ્રતિજ્ઞા લીધી હતી. આ અભિયાન દ્વારા બાળકોને સંસ્કાર અને પર્યાવરણ બંને સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે જેમ માતા આપણું પાલનપોષણ કરે છે તેમ પ્રકૃતિ પણ આપણું રક્ષણ કરે છે.

કાર્યક્રમના અંતે, તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વાવેલા છોડને પૂર્ણપણે વૃક્ષ ન બને ત્યાં સુધી દત્તક લઈ તેનું નિયમિત જતન અને સંવર્ધન કરવાની પવિત્ર પ્રતિજ્ઞા લીધી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગ્રીન ઇકો ક્લબના સભ્યો તથા એનએસએસની ટીમે સહકાર આપ્યો હતો.

કાર્યક્રમમાં શાળાના આચાર્ય યુ.વાય. ટપલા દ્વારા પ્રકૃતિના લાભો પર પ્રકાશ પાડી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતે, ઉપસ્થિત અધિકારીઓ તથા મહેમાનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.