હાલોલ તળાવમાં કેમિકલયુક્ત પાણી ભળવાથી હજારો માછલીઓનાં મોતથીસ્થાનિકોમાં રોષ

પંચમહાલના હાલોલમાં ભારે વરસાદ વચ્ચે તળાવમાં કેમિકલયુક્ત દૂષિત પાણી ભળ્યાની આશંકા છે. જેના કારણે હજારો માછલીઓનાં મોત થયાની ઘટના સામે આવી છે. તળાવના ચારે તરફના કિનારે મોટી સંખ્યામાં મરેલી માછલીઓ તરતી જોવા મળી હતી. આ જોઈને સ્થાનિકોમાં ચિંતા અને રોષ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં લોકો તળાવ પાસે એકઠા થયા હતા અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

સ્થાનિકોના આક્ષેપ મુજબ, પાવાગઢ ડુંગર પરથી વરસાદી પાણી હાલોલ તળાવમાં પહોંચાડવા માટે એક યમુના કેનાલ બનાવવામાં આવી છે. આ કેનાલ પાવાગઢ રોડ પર સિંધવાવથી હાલોલ-વડોદરા રોડ પર આવેલા જૈન મંદિર સુધી લંબાયેલી છે. આ કેનાલ દ્વારા વરસાદી પાણી તળાવમાં પહોંચે છે. જોકે, કેનાલની પાળ અને આસપાસના વિસ્તારમાં અનેક ભંગારના ગોડાઉન તથા દબાણો છે તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, કેટલાક ગોડાઉનોમાં હાલોલ અને આસપાસની કેમિકલ કંપનીઓમાંથી નીકળતો પ્લાસ્ટિક આધારિત કેમિકલયુક્ત જોખમી કચરો લાવવામાં આવે છે. આ કચરાને યમુના કેનાલમાં ધોવામાં આવે છે, તેવા આક્ષેપો પણ છે. આ પ્રક્રિયા દરમિયાન કેમિકલયુક્ત તત્વો પાણીમાં ભળીને વરસાદી પાણી સાથે તળાવ સુધી પહોંચે છે. તેવી સ્થાનિકોમાં ચર્ચા છે.

હાલોલ તળાવમાં કેમિકલયુક્ત પાણી ભળવાથી હજારો માછલીઓનાં મોતથીસ્થાનિકોમાં રોષ
હાલોલ તળાવમાં કેમિકલયુક્ત પાણી ભળવાથી હજારો માછલીઓનાં મોતથીસ્થાનિકોમાં રોષ

નોંધનીય છે કે, ગત વર્ષે પણ ચોમાસા દરમિયાન યમુના કેનાલ નજીક આવી જ ઘટના બની હતી. ત્યારે પણ વધુ સંખ્યામાં માછલીઓનાં મોત થયાં હતાં. તે સમયે પણ કેમિકલયુક્ત પ્લાસ્ટિક ધોવાથી દૂષિત પાણી તળાવમાં પહોંચ્યું હતું તેવા આક્ષેપો થયા હતા. પાલિકા દ્વારા સ્ક્રેપના ગોડાઉન માલિક સામે કાર્યવાહી પણ કરાઈ હતી. એક વર્ષ બાદ ફરી માછલીઓનાં મોત થતાં અગાઉની કાર્યવાહી અને વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.

સ્થાનિકોએ તળાવના પાણીના તરત નમૂના લઈ વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ કરી છે. તેમણે માછલીઓનાં મોતનું ચોક્કસ કારણ શોધવાની અને યમુના કેનાલ તથા આસપાસના ગોડાઉનોનું સ્થળ નિરીક્ષણ કરવાની પણ માંગ કરી છે. દૂષિત પાણીનો સ્ત્રોત શોધી જવાબદાર સામે કાર્યવાહી કરવા સાથે સમગ્ર વિસ્તારની કાયમી દેખરેખ રાખવાની પણ માંગ ઉઠી છે.