દાહોદમાં શિયાળા પહેલાં વિદેશી પક્ષીઓનો જમાવડો મુવાલીયા તળાવમાં સુરખાબ, સારસ સહિત ૫૦થી વધુ પક્ષીઓની પ્રજાતિ નોંધાઈ.

દાહોદ શહેર સહિત જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદની પુન: પધરામણી શ‚ થઇ છે અને શિયાળાની સત્તાવાર શ‚આત થાય તે પહેલાં જ દાહોદના મુવાલીયા તળાવ અને આસપાસના જળવિસ્તારોમાં યાયાવર પક્ષીઓએ એડવાન્સ શિયાળુ વિઝા લઈ ધામા નાખ્યા છે. તાજેતરના પક્ષી નિરીક્ષણ દરમિયાન મુવાલીયા તળાવ ખાતે ૫૦થી વધુ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા છે.

ગુજરાતના રાજ્ય પક્ષી સુરખાબના ઝુંડ સાથે દુર્લભ સારસ કુંજની હાજરીએ પક્ષીપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. યુરોપ અને મધ્ય એશિયાથી હજારો કિલોમીટરનું અંતર કાપીને આવેલા યાયાવર પક્ષીઓમાં બ્લેક-ટેઈલ્ડ ગોડવિટ, વેસ્ટર્ન માર્શ હેરિયર, સાઈબેરિયન સ્ટોનચેટ અને ગ્રે વેગટેઈલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પેઈન્ટેડ સ્ટોર્ક અને એશિયન ઓપનબિલ પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા છે.

છીછરા પાણીમાં સુરખાબના ઝુંડ શેવાળ તથા સૂક્ષ્મ જીવોને ખોરાક તરીકે મેળવી રહ્યા છે, જ્યારે અન્ય પક્ષીઓ કીટકો, જીવાતો અને જળચર જીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરી રહ્યા છે. પક્ષીઓનું આ વહેલું આગમન દાહોદના જળાશયોની સમૃદ્ધ જૈવવિવિધતા, અનુકૂળ જળપરિસ્થિતિ અને સુરક્ષિત કુદરતી વાતાવરણનો સંકેત માનવામાં આવે છે.

દુર્લભ સારસ પણ જોવા મળ્યો વિદેશી યાયાવર પક્ષીઓની સાથે મુવાલીયા તળાવ ખાતે દુર્લભ સારસ કુંજની નોંધ પણ મહત્વપૂર્ણ રહી છે. સારસ ઉપરાંત પેઈન્ટેડ સ્ટોર્ક અને એશિયન ઓપનબીલની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી છે. વિવિધ પ્રજાતિઓની હાજરી તળાવના જળચર પર્યાવરણ અને વેટલેન્ડ વિસ્તારની સમૃદ્ધિ દર્શાવે છે.

પર્યાવરણની દૃષ્ટિએ સકારાત્મક સંકેત મુવાલીયા તળાવમાં પક્ષીઓનું આટલું વહેલું આગમન દાહોદના જળાશયોની સમૃદ્ધ જૈવવિવિધતા તરફ સંકેત કરે છે. પૂરતો ખોરાક, અનુકૂળ જળપરિસ્થિતિ અને સુરક્ષિત વાતાવરણ મળતું હોવાથી યાયાવર પક્ષીઓ અહીં રોકાઈ રહ્યા હોવાનું નિરીક્ષણમાં સામે આવ્યું છે. પક્ષીઓનું આગમન દાહોદ માટે પર્યાવરણની દૃષ્ટિએ સકારાત્મક સંકેત માનવામાં આવે છે. – અંકિતકુમાર એન. ચૌહાણ, આસિ. પ્રો., ન.સા. કોલેજ, દાહોદ, રિસર્ચ સ્કોલર, ગુ.યુ.