ગુજરાતી સિંગર કાજલ મહેરિયાની મહેસાણા કોર્ટમાં છૂટાછેડાની નકલી અરજી થતાં ખળભળાટ

ગુજરાતની જાણીતી અને લોકપ્રિય ગાયિકા કાજલ મહેરિયા અંગત જીવનને લઈને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા ફેમિલી કોર્ટમાં કાજલ મહેરિયાના નામે કોઈ અજાણ્યા શખ્સે છૂટાછેડાની નકલી અરજી દાખલ કરી દેતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ મામલે જ્યારે કાજલ અને તેના પતિને કોર્ટની નોટિસ મળી ત્યારે આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

મળતી માહિતી અનુસાર, મહેસાણા કોર્ટમાં કાજલ મહેરિયા અને તેના પતિ અલ્પેશ ઠાકોર વચ્ચે છૂટાછેડા માટેની એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીના આધારે જ્યારે કોર્ટ દ્વારા કાજલ અને અલ્પેશ બંનેને નોટિસ ફટકારવામાં આવી, ત્યારે દંપતી પોતે આશ્ચર્યમાં મુકાઈ ગયું હતું. કારણ કે, બંને વચ્ચે એવો કોઈ વિવાદ નહોતો અને તેમણે આવી કોઈ અરજી કરી જ નહોતી. નોટિસ મળ્યા બાદ તપાસ કરતા જાણવા મળ્યું કે આ અરજી સંપૂર્ણપણે બોગસ છે.

આ મામલામાં વધુ એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, અરજીમાં જે વકીલોના નામ અને સહી દર્શાવવામાં આવ્યા હતા, તે વકીલોએ પોતે જ કોર્ટ સામે આવીને સ્પષ્ટતા કરી છે કે આ અરજીમાં તેમની સહી નથી. કોઈ અજ્ઞાત વ્યકતીએ વકીલના સનદ નંબરનો ગેરકાયદેસર અને ખોટો ઉપયોગ કરીને આ નકલી અરજી કોર્ટમાં જમા કરાવી દીધી હતી.

બનાવટી દસ્તાવેજાના આધારે ઊભી કરાયેલી આ ડિવોર્સ અરજીમાં એવો ખોટો દાવો પણ કરવામાં આવ્યો હતો કે, લોકગાયિકા કાજલ મહેરિયા છેલ્લા ૧૨ મહિનાથી પોતાના પિયરમાં રહે છે અને પતિ સાથે અણબનાવ છે. જાકે, આ દાવો સદંતર ખોટો અને ઉપજાવી કાઢેલો હોવાનું સામે આવ્યું છે.

આ ઘટના સામે આવ્યા બાદ કાજલ મહેરિયાના સાચા વકીલે આ સમગ્ર શંકાસ્પદ અને ગંભીર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે કોર્ટના રજિસ્ટ્રાર સમક્ષ લેખિત માંગ કરી છે. કોર્ટ જેવી પવિત્ર જગ્યાએ આ પ્રકારે નકલી દસ્તાવેજા અને વકીલોના ખોટા સનદ નંબર વાપરીને સેલિબ્રિટીઝને બદનામ કરવાનું કે માનસિક હેરાન કરવાનું આ મોટું ષડયંત્ર હોવાની આશંકા સેવાઈ રહી છે.