
ગુજરાતના આર્થિક પાટનગરો સમાન બે મોટા શહેરોમાં નકલી નોટોનો મોટો ખેલ ચાલી રહ્યો હતો…પણ માર્કેટમાં આ નકલી ચલણ ફરે અને અર્થતંત્રને નુકસાન પહોંચાડે તે પહેલા જ પોલીસે સપાટો બોલાવ્યો છે.રાજકોટ અને સુરત પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને નકલી નોટોના નેટવર્કને ધ્વસ્ત કરી નાખ્યું છે.
રાજકોટના શ્યામ કિરણ પાર્કમાં એસઓજી અને ડીસીબીએ ઘરમાં ચાલતી આખી નકલી નોટોની ફેક્ટરી પકડી પાડી છે. અહીં શાકભાજી વેચતો કિશન સોલંકી સોશિયલ મીડિયા પરથી નોટો છાપવાનું શીખ્યો હતો અને ૧૦,૦૦૦ની નકલી નોટો સામે ૩૦૦૦ રૂપિયા અસલી મેળવતો હતો. તો બીજી તરફ, સુરતના ગોડાદરામાં દેવધ ચાર રસ્તા પાસેથી રમેશ ઉર્ફે જીગા નામના રાજસ્થાની યુવકને ૫૦૦ના દરની ૧૬૫ નકલી નોટો ભરેલી બેગ સાથે દબોચી લેવાયો છે.
આ માત્ર બે છૂટાછવાયા કિસ્સા નથી, પણ નકલી નોટો ઘુસાડવાનું બહુ મોટું કાવતરું હોવાની શંકા છે. સુરતમાં પકડાયેલા આરોપીની પૂછપરછમાં આસામના ગુવાહાટીનું કનેક્શન સામે આવ્યું છે. તહેવારોની સીઝન નજીક આવી રહી છે ત્યારે આરોપી બજારમાં આવી નકલીનોટો ઘુસાડવાની પેરવીમાં હતા, પરંતુ પોલીસે સમયસર આ આખા નેટવર્કની કમર તોડી નાખી છે.
પોલીસના આ મેગા ઓપરેશનમાં રાજકોટ અને સુરત બંને શહેરોમાંથી કઈ નોટો કેટલી માત્રામાં પકડાઈ છે, તેના સત્તાવાર આંકડા પણ સામે આવ્યા છે.
રાજકોટના શ્યામ કિરણ પાર્કમાંથી પોલીસને ૧૦૦ના દરની ૨૧૬ નકલી નોટો અને ૫૦૦ના દરની ૩ નકલી નોટો મળી આવી છે…આ સાથે જ પ્રિન્ટર અને સ્કેનર સહિત કુલ ૬૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે…તો સુરતના ગોડાદરા વિસ્તારમાંથી પકડાયેલા આરોપી પાસેથી ૫૦૦ના દરની કુલ ૧૬૫ ડુપ્લિકેટ નોટો મળી આવી છે…આ સિવાય તેની પાસેથી અન્ય અસલ ચલણી નોટો અને મોબાઈલ સહિત કુલ ૩,૦૨૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બજારમાં આ નકલી નોટો અસલી તરીકે વટાવવામાં આવે અને નિર્દોષ વેપારીઓ કે નાગરિકો છેતરાય તે પહેલા જ પોલીસે સપાટો બોલાવી દીધો છે…દિવાળી અને તહેવારોની સીઝનનો ફાયદો ઉઠાવી અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું મોટું ષડયંત્ર ખાખીની સતર્કતાને કારણે ફ્લોપ સાબિત થયું છે.