
ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા અત્યાર સુધીમાં ૧૮૪ શંકાસ્પદ કેસ નોંધાયા છે, જ્યારે આ વાયરસના ગંભીર સંક્રમણને કારણે ૨૨ માસૂમ બાળકોના દર્દનાક મોત નિપજ્યા છે. આ આંકડાઓએ સમગ્ર રાજ્યમાં ભારે અરેરાટી સાથે આરોગ્ય વિભાગ માટે ચિંતા ઊભી કરી છે.
અત્યાર સુધી પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી સામે આવેલા શંકાસ્પદ કેસોમાંથી ૭ જેટલા દર્દીઓ લેબોરેટરી ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યા છે. હાલમાં આ તમામ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં દાખલ છે અને નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોને વિશેષ સૂચનાઓ આપીને દર્દીઓને ત્વરિત અને યોગ્ય સારવાર મળી રહે તે માટે આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
ચાંદીપુરા વાયરસના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ત્વરિત એક્શન મોડમાં આવી ગઈ છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા ઉચ્ચ અધિકારીઓ અને આરોગ્ય નિષ્ણાતો સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને સંક્રમણ અટકાવવા વાયરસના ફેલાવાને રોકવા માટેના પગલાં લેવા વિશે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને સર્વેલન્સ કામગીરી સઘન બનાવવી. તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવાઓ, વેન્ટીલેટર અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવો.
ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડફ્લાય (રેતીની માખી)ના કરડવાથી ફેલાય છે અને ૧૫ વર્ષથી નાની ઉંમરના બાળકોને વધુ ઝડપથી પોતાનો શિકાર બનાવે છે. અચાનક ખૂબ જ સખત તાવ આવવો, ઉલટી થવી, ઝાડા થવા, માથાનો સખત દુખાવો અને ગંભીર કિસ્સાઓમાં બાળક બેભાન થઈ જવું કે આંચકી આવવી આ તેના લક્ષણો છે.
ઘરની આસપાસ અને કાચા મકાનો/તિરાડોમાં સેન્ડફ્લાયનું પ્રમાણ રોકવા માટે માટીના ઘરોમાં લીંપણ કરવું અથવા કીટાણુનાશક દવાનો છંટકાવ કરવો. બાળકોને આખા શરીરને ઢાંકે તેવા કપડાં પહેરાવવા. કોઈ પણ બાળકને અચાનક તાવ કે ઉપર મુજબના લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર તુરંત જ નજીકના સરકારી કે ખાનગી આરોગ્ય કેન્દ્ર પર તબીબી સલાહ લેવી. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહીને જરૂરી સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.