પાટનગર ગાંધીનગર નજીક આવેલા ચિલોડા વિસ્તારમાંથી માનવતા અને પવિત્ર સંબંધોને શર્મસાર કરતી એક અત્યંત અરેરાટીભરી ઘટના સામે આવી છે. જેમાં એક નરાધમ પિતાએ પોતાની જ ૪ વર્ષની વયની માસૂમ પુત્રી પર દુષ્કર્મ આચરીને પિતા-પુત્રીના સંબંધને કલંકિત કર્યો છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.
મળતી વિગતો અનુસાર, આરોપી પિતા અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. પતિ-પત્ની વચ્ચેના મનદુઃખના કારણે માતા પોતાના બાળકોને લઈને પિયર જતી રહી હતી. દરમિયાન, ગઈકાલે પિતા પોતાના બાળકોમાંથી ૪ વર્ષની માસૂમ દીકરીને માતા પાસેથી પોતાના ઘરે લઈ આવ્યો હતો. ઘરે લાવ્યા બાદ નરાધમ પિતાએ માસૂમ દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
સવારે બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળતું જાવા મળતા આ સમગ્ર શર્મનાક ઘટનાનો પર્દાફાશ થયો હતો. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાંથી હોસ્પિટલ તંત્ર દ્વારા ચિલોડા પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.
ઘટના અંગે માહિતી આપતા દહેગામ ડિવિઝનના એએસપી આયુષ જૈને જણાવ્યું હતું કે, ચિલોડા પોલીસ મથક વિસ્તારમાં બનેલી આ ઘટના અત્યંત ગંભીર છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તરફથી વર્ધમાન મેડિકલ મેસેજ મળતા જ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી. બાળકીના પિતા સામે પોક્સો એક્ટ તથા અન્ય કડક કલમો હેઠળ ગુનો નોંધીને તેની અટકાયત કરી લેવામાં આવી છે.
હાલમાં બાળકીની તબિયત સુધારા પર અને સ્થિર હોવાનું હોસ્પિટલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસે આરોપી સામે કાયદાકીય શિકંજા કસીને વધુ તપાસ હાથ ધરી છે.