
ગોધરા શહેરના મધ્યમાં આવેલા ભાગોળ રેલ્વે LC 4 અંડરપાસનું કામ વિલંબમાં પડતાં સ્થાનિક સામાજિક કાર્યકર સંજયભાઈ ટહેલ્યા બે દિવસીય પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. તેમણે ચેતવણી આપી છે કે જો તેમની રજૂઆત ધ્યાને લેવામાં નહીં આવે તો તેઓ આમરણ ઉપવાસ કરશે.
રૂ. 16 કરોડના ખર્ચે શરૂ કરાયેલું આ રેલ્વે અંડરપાસનું નિર્માણ કાર્ય છેલ્લા ઘણા સમયથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ વિલંબને કારણે સ્થાનિક રહીશો, વેપારીઓ અને દૈનિક અવરજવર કરતા વાહનચાલકોને ભારે ટ્રાફિક સમસ્યા અને અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મુખ્ય રસ્તો બંધ રહેતા સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગાર પર પણ પ્રતિકૂળ અસર પડી છે. કામગીરી તાત્કાલિક ધોરણે ઝડપી બનાવી પૂર્ણ કરાવવાની માંગ સાથે સંજયભાઈ ટહેલ્યા અંડરપાસના નિર્માણ સ્થળે જ બે દિવસના પ્રતીક ઉપવાસ પર બેઠા છે.
સંજયભાઈ ટહેલ્યાણીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, જો તંત્ર દ્વારા તેમની રજૂઆત ધ્યાને લેવામાં નહીં આવે અને કામ વહેલી તકે પૂર્ણ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને તેઓ આમરણ ઉપવાસ પર ઊતરશે.
છગઇ વિભાગના અધિકારી કે.કે. પટેલના જણાવ્યા અનુસાર, હાલ રેલવે અંડરપાસમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન છે અને પાણીના નિકાલ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.