
ઉજ્જૈનથી દર્શન કરી પરત ફરતી ૪૩ વર્ષીય મહિલાને ટ્રેનમાં હાર્ટએટેક આવ્યો.
ઉજ્જૈન મહાકાલના દર્શન કરીને પરિવાર સાથે ખુશીથી ઘરે પરત ફરી રહેલા વડોદરાના અટલાદરા વિસ્તારના પરિવાર પર રસ્તામાં જ દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. શાલીમાર-ભુજ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ૪૩ વર્ષીય એકતાબેન વર્માને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો ઉપડતાં તેમની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ગોધરા-ચચેલાવ વચ્ચે અચાનક તબિયત લથડી વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહેતા ૪૩ વર્ષીય એકતાબેન વર્મા પોતાના પરિવાર સાથે ઉજ્જૈન ખાતે મહાકાલના દર્શન કરીને શાલીમાર-ભુજ એક્સપ્રેસ ટ્રેનમાં પરત ફરી રહ્યા હતા. પરિવાર બી-૧ એસી કોચમાં મુસાફરી કરી રહ્યો હતો. દરમિયાન ટ્રેન ગોધરા અને ચચેલાવ સ્ટેશન વચ્ચે પહોંચી ત્યારે અચાનક એકતાબેનની તબિયત લથડી હતી અને તેમને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો.
ગોધરા સ્ટોપેજ ન હોવા છતાં ટ્રેન રોકવામાં આવી એકતાબેનની તબિયત ગંભીર જણાતાં પરિવારજનો અને રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક મદદ માટે પ્રયાસો હાથ ધરાયા હતા. શાલીમાર-ભુજ એક્સપ્રેસનું ગોધરા ખાતે નિયમિત સ્ટોપેજ ન હોવા છતાં ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રેનને ગોધરા રેલવે સ્ટેશન ખાતે રોકવામાં આવી હતી.
૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા ટ્રેન ગોધરા સ્ટેશન પર પહોંચ્યા બાદ એકતાબેનને રેલવે તંત્ર અને પરિવારજનોની મદદથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમની તપાસ કરી હતી અને એકતાબેન વર્માને મૃત જાહેર કર્યા હતા.
પરિવારમાં શોકની લાગણી પ્રસરી ઉજ્જૈન મહાકાલના દર્શન કરીને પરિવાર ખુશીથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. જોકે, મુસાફરી દરમિયાન જ પરિવારના એક સભ્યની અચાનક તબિયત લથડતાં અને બાદમાં મોત થતાં સમગ્ર પરિવારમાં ભારે અરેરાટી અને શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
રેલવે પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પંચનામું સહિતની જરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાના અચાનક મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.