
ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે અંધશ્રદ્ધાના નામે પશુ-પક્ષીઓની બલિ ચડાવવાનો એક કિસ્સો સામે આવ્યો છે. બાબાદેવ મંદિરે આઠ બકરા અને એક મરઘાની ધારદાર હથિયારો વડે હત્યા કરવામાં આવી હતી. આ મામલે રાજગઢ પોલીસ મથકમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
આ ઘટના 23 નવેમ્બર, 2025ના રોજ બપોરે 12:45 વાગ્યે બની હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 325, 270, 298, પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની કલમ 11(1)(એલ), વન્યજીવ સંરક્ષણ અધિનિયમની કલમ 5 અને જી.પી. એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા સમીર ચંદુભાઈ ગજ્જરે આ અંગે 23 નવેમ્બર, 2025ના રોજ બપોરે 3:15 વાગ્યે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કૃત્યથી જાહેર જનતાની ધાર્મિક લાગણી દુભાઈ છે.
આ કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં નેવસિંહ ભુરસિંહ રાઠવા, કાળુભાઈ વેચાતભાઈ રાઠવા (બંને રહે. જીમિયાપુરા, હાલોલ), રાવજીભાઈ હરીભાઈ રાઠવા (રહે. ચેલાવાડા, ઘોઘંબા), બિલેન્દ્રસિંહ કાળુભાઈ બારીયા (રહે. રણજીતનગર, ઘોઘંબા) અને ટીનુભાઈ થાવરભાઈ રાઠવા (રહે. સિમલિયા પીપળિયા ફળિયું, ઘોઘંબા) નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓને બી.એન.એસ.એસ.ની કલમ 35(3) મુજબ નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવી છે.
આ કેસની તપાસ રાજગઢ પોલીસ સ્ટેશનના અ.હે.કો. ચિમનભાઈ નરવતભાઈ દ્વારા શરૂ કરવામાં આવી હતી, અને હાલમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ. ડામોર વધુ તપાસ ચલાવી રહ્યા છે.