
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા હાલ પૂરજોશમાં ચાલી રહી છે.ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર સમયપત્રક અનુસાર, આજે ૨૮ સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી માટેની અંતિમ તારીખ છે. ફોર્મ ચકાસણીની આ પ્રક્રિયા દરમિયાન જરૂરી શરતો પૂરી ન કરનારા વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોના ફોર્મ રદ થવાના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે.
ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવેલી સ્ક્રૂટિની દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૫ માં આમ આદમી પાર્ટી ના ઉમેદવાર જીતેન્દ્રસિંહ ચૌહાણનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું છે. જીતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા પક્ષનું અધિકૃત મેન્ડેટે જમા ન કરાવવામાં આવતા તેમનું ઉમેદવારી પત્ર રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આ જ રીતે, વોર્ડ નંબર ૬ માંથી ચૂંટણી લડી રહેલા યુથ ઇન્ડિયા પીસ પાર્ટીના ઉમેદવાર કાજલ મકવાણાનું પણ ઉમેદવારી ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. જ્યારે ઉમેદવારી ફોર્મ રદ થવાની ઘટના બાદ આમ આદમી પાર્ટીના વકીલો સહિત હોદ્દેદારો ચૂંટણી અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
આપના હોદ્દેદારો અને વકીલ સાથેની વાતો તથા રજૂઆત બાદ અધિકારીઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ફોર્મમાં ટેકેદારની સહી ન હોવાનું કારણ આપ્યું છે. આ ઉપરાંત, આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર ૧૦ના ઉમેદવાર હાર્દિક તલાટીને પણ ફોર્મની વિગતો જાહેર કરવા માટે નોટીસ આપવામાં આવી છે.
નોંધનીય છે કે, હાર્દિક તલાટી અગાઉની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને ચૂંટણી લડ્યા હતા. જો કે ગાંધીનગર મનપા ચૂંટણીના સમયપત્રક પર નજર કરીએ તો, આજે ૨૮ સપ્ટેમ્બરે ફોર્મ ચકાસણીની અંતિમ મુદત પૂર્ણ થયા બાદ આવતીકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની સમયસીમા પૂર્ણ થયા બાદ ચૂંટણી લડતા ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે. ગાંધીનગર મહાનગરપાલિકાની આ મહત્વપૂર્ણ ચૂંટણી માટે ૧૧ ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે.