Editor’s View: દરિયામાં તરતું વોર સિટી:ફાઇટર જેટને ઊડવા ફોલ્ડિંગ રનવે ઊંચો થાય, ચીનનું જહાજ ભારત માટે ખતરો, ડિફેન્સમાં સુપર પાવર બનવા દુનિયામાં હોડ

ડિફેન્સમાં બાદશાહ એ જ દેશ છે જેની પાસે સૌથી તાકતવર વોરશિપ હોય, સૌથી તાકતવર એર ડિફેન્સ સિસ્ટમ હોય, સૌથી તાકતવર બોમ્બર પ્લેન હોય. અત્યારે દરેક દેશ એ બતાવવા માગે છે કે ડિફેન્સની બાબતમાં અમે જ સૌથી શક્તિશાળી છીએ. ઉત્તર કોરિયા હોય, રશિયા હોય કે અમેરિકા, ચીન હોય કે ભારત, કોઈપણ દેશ આ બાબતમાં પાછળ રહેવા માગતો નથી. આજે દુનિયાના દેશોની ડિફેન્સ તાકાતની વાત…

નમસ્કાર,

રશિયાએ તાકાત બતાવવા ન્યુક્લિયર મિસાઈલનો ટેસ્ટ કર્યો તો અમેરિકાએ પણ આવું જ કર્યું. ચીને સૌથી તાકતવર એરક્રાફ્ટ વોરશિપ ફૂજિયાનને પોતાની નેવીમાં સામેલ કર્યું. ભારતની બ્રહ્મોસ મિસાઈલનો દુનિયામાં ડંકો વાગ્યો છે અને ભારત પણ એર ડિફેન્સ સિસ્ટમમાં પાવરફૂલ બની ગયું છે. જે રીતે ઈઝરાયલે આયરન ડોમ સિસ્ટમ બનાવી છે તે રીતે અમેરિકા ગોલ્ડન ડોમ સિસ્ટમ બનાવે છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન તો પાગલ થઈને ન્યુક્લિયર ટેસ્ટ કર્યા કરે છે.

ચીનના બેડાંમાં સામેલ થયું સૌથી તાકતવર જહાજ ફૂજિયાન ફૂજિયાન એ ચીનનું અત્યાર સુધીનું ત્રીજું અને સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર છે. તેનું વજન ભારતના બે INS વિક્રાંત જેટલું છે.

ફૂજિયાન વોરશિપની વિશેષતા

  • 90 હજાર ટન વજન
  • 948 ફૂટ લાંબું
  • 228 ફૂટ પહોળું
  • 18 ફાયટર પ્લેન પાર્ક થાય
  • કૈટા પલ્ટ લોન્ચ સિસ્ટમ

ફૂજિયાન એ સમુદ્રમાં તરતું વોર સિટી છે. જે તેની સાથે એક ડઝનથી વધુ ફાયટર પ્લેન, હેલિકોપ્ટરો અને મિસાઈલો લઈને દરિયા પર તરી શકે છે. આ ચીનની પહેલી એવી વોર શિપ છે જેમાં કૈટા પલ્ટ લોન્ચ સિસ્ટમ છે જે અત્યાર સુધી માત્ર અમેરિકાના જ જહાજોમાં હતી. કૈટા પલ્ટ સિસ્ટમ એ છે જેમાં ફાયટર પ્લેનને ઊડવાનો રસ્તો ફોલ્ડીંગ હોય છે. પ્લેનને ઊડવું હોય તો શિપ પરનો રસ્તો આગળથી ઢાળવાળો ઓટોમેટિક ઊંચો થઈ જાય છે એટલે ફાયટર પ્લેન 250 કિલોમીટરની સ્પીડે ઊડાન ભરી શકે છે. આમાં પાવરફૂલ એલાર્મિંગ સિસ્ટમ છે. સ્ટીલ્થ બોમ્બ અને ડ્રોન ઊડી શકે તેવી વ્યવસ્થા પણ છે.

ચીનનો જિયોપોલિટિકલ મેસેજ ફૂજિયાન એ ચીનનું જહાજ જ નથી પણ જિયોપોલિટિકલ મેસેજ છે. ચીનની નેવી હવે હિન્દ મહાસાગર, દક્ષિણ આફ્રિકા કિનારા દક્ષિણ અમેરિકા સુધી પહોંચી શકે છે. ફૂજિયાન શિપ પર ચીન J-35A સ્ટીલ્થ ફાયટર જેટ તહેનાત કરવાની તૈયારીમાં છે. આ શિપ પર લોન્ગ રેન્જ એન્ટી શિપ મિસાઈલ તહેનાત છે. આ જહાજથી ચીન ભારત પર કોઈપણ ખૂણેથી નજર રાખી શકે છે અને આ જ ભારત માટે જોખમ છે. ભારત માટે અત્યારે બે એરક્રાફ્ટ કેરિયર છે INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત. આ બંનેના વજન 45 હજાર ટન છે. એટલે ફૂજિયાનથી અડધું વજન. ભારતે હવે 80 હજાર ટન વજનથી વધારેનું જહાજ બનાવવું પડશે. કારણ કે 90 હજાર ટન કે તેનાથી વધુનું વજન હોય તો જ કૈટા પલ્ટ લોન્ચ સિસ્ટમ બની શકે છે. ફૂજિયાનનું ચીનની નેવીમાં સામેલ થવું એ ગ્લોબલ નેવલ ટર્નિંગ પોઈન્ટ છે.

દુનિયામાં ભારતની બ્રહ્મોસ મિસાઈલનો ડંકો ભારત અને તેની વોર ટેકનોલોજીનું નામ આવે ત્યારે બ્રહ્મોસ મિસાઈલનું નામ પહેલાં આવે. ફિલિપિન્સ બ્રહ્મોસ ખરીદનારો પહેલો દેશ બન્યો. હવે ઈન્ડોનેશિયા, વિયેતનામ જેવા દેશો પણ બ્રહ્મોસ ખરીદવા માટે તત્પર છે. ઘણાને ભય છે કે અમેરિકા અને ફિલિપિન્સ વચ્ચે ડિફેન્સ સમજૂતી છે અને તેના હેઠળ જો ફિલિપિન્સ બ્રહ્મોસ મિસાઈલની માહિતી અમેરિકાને આપી દેશે તો? આ સવાલના જવાબમાં રશિયાની NPO કંપનીએ કહ્યું કે, આ મિસાઈલની ટેકનિકને દુનિયાનો કોઈ દેશ આજ સુધી સમજી શક્યો નથી. હવે રશિયાની સહયોગી કંપની NPO કોર્પોરેશનને એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમેરિકાના વૈજ્ઞાનિકો પણ વિચારતા થઈ ગયા છે. NPOએ દાવો કર્યો છે કે અમેરિકાના તમામ વૈજ્ઞાનિકો મળીને ભારતની બ્રહ્મોસ મિસાઈલનું અલ્ગોરિધમ કે કોર ટેકનોલોજી બ્રેક કરી શકે નહિ.

બ્રહ્મોસનું મલ્ટીલેયર સિક્યોરિટી ફ્રેમવર્ક જ એવું છે કે કોઈપણ સુપર કોમ્પ્યુટર પણ તેને ક્રેક કરી શકે તેમ નથી. જોકે ભારત પણ ઓછું નથી. તેમણે ફિલિપિન્સને મિસાઈલ વેચતી વખતે એવું એગ્રીમેન્ટ કર્યું છે કે આ મિસાઈલની ટેકનોલોજી કોઈ ત્રીજા દેશને આપી શકાશે નહિ. જો આવું થયું તો એ રાજનીતિક અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાશે, એટલે ફિલિપિન્સ બંધાઈ ગયું છે. માનો કે કોઈ દેશે બ્રહ્મોસ મિસાઈલને ખોલીને તેની ટેકનોલોજી જાણવાની કોશિશ કરી તો મિસાઈલ આપોઆપ લોક થઈ જશે. જો આવું થયું તો ભારત જ તેને ફરી એક્ટિવ કરી શકે છે. બહ્મોસ મિસાઈલનું નામ ભારતની નદી બ્રહ્મપુત્રા અને રશિયાની નદી મોસ્કોવા પરથી અપાયું છે. આ ટેકનોલોજી ભારત અને રશિયાની સહયોગથી બની છે પણ હવે તેની સોફ્ટવેર ટેકનોલોજી અને કંટ્રોલ-ગાઈડેડ સિસ્ટમ સંપૂર્ણ ભારતની બનેલી છે. બ્રહ્મોસને ભૂમી, જમીન અને વાયુ ત્રણેય જગ્યાએથી લોન્ચ કરી શકાય છે.

રશિયા-અમેરિકા ન્યુક્લિયર પાવર કન્ટ્રી બનવા માગે છે રશિયા : રશિયાએ વિશ્વની પહેલી પરમાણુ સંચાલિત ક્રૂઝ મિસાઇલ, બુરેવસ્ટનિક-9M739 નો સફળ ટેસ્ટ કર્યો. એવો દાવો કરવામાં આવે છે કે આ મિસાઇલ અમર્યાદિત રેન્જ ધરાવે છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વિડીયો કોન્ફરન્સથી વિશ્વને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બધા ટેસ્ટ પૂરા થઈ ગયા છે. વિશ્વના કોઈ પણ દેશ પાસે આવી મિસાઇલ નથી. ઘણા નિષ્ણાતો અગાઉ માનતા હતા કે આવા હથિયારો ન બની શકે પરંતુ તે વાસ્તવિકતા બની ગઈ છે. કોઈ ડિફેન્સ સિસ્ટમ તેને રોકી શકતી નથી. ટેસ્ટ દરમિયાન બુરેવસ્ટનિક મિસાઈલે લગભગ 15 કલાક ઊડાન ભરી, 14,000 કિલોમીટરનું અંતર કાપ્યું. આ મિસાઈલ છોડવા કે દૂર સુધી મોકલવા માટે એન્જિન ઓઈલની જરૂર નથી. તેને પરમાણુ રિએક્ટરથી ઓપરેટ કરી શકાય છે. રશિયાની આ મિસાઈલને રોકવામાં તમામ ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ જાય છે. આ મિસાઇલ લોન્ચ કરવા માટે સોલિડ-ફ્યુઅલ રોકેટ બૂસ્ટરનો ઉપયોગ કરે છે. લોન્ચ થયા પછી, તેનું ન્યુક્લિયર રિએક્ટર સક્રિય થાય છે, અને પછી તે ન્યુક્લિયર પાવર પર ચાલે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *