દુબઈથી આવેલી મહિલા પાસેથી ૩૦ આઇફોન જપ્ત, એરપોર્ટ કસ્ટમ્સની મોટી કાર્યવાહી

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. દુબઈથી આવેલા લાઇટમાં મુસાફરી કરીને આવી રહેલી એક મહિલા યાત્રી પાસેથી કુલ ૩૦ આઈફોન મળી આવ્યા હતા. ફ્રિસ્કિંગ દરમિયાન શંકાસ્પદ હાવભાવ જોવા મળતા અધિકારીઓએ વિગતવાર તપાસ કરી હતી, જેમાં કિંમતી મોબાઈલ ફોન છુપાવી રાખેલા મળી આવ્યા. આ તમામ આઈફોનની કુલ કિંમત અંદાજે ૪૩ લાખ થાય છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા આ ફોન ગેરકાયદેસર રીતે લાવવાનો પ્રયાસ કરી રહી હતી.

કસ્ટમ્સ એક્ટ મુજબ ગેરકાયદે રીતે કિંમતી વસ્તુઓ દેશની અંદર લાવવાના પ્રયાસને ગંભીર ગુનો માનવામાં આવે છે. તેથી કસ્ટમ વિભાગે નિયમ મુજબ કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ ચાલુ છે.કસ્ટમ અધિકારીઓએ મુસાફરોને ચેતવણી આપી છે કે મોંઘી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ લાવતા સમયે તે અંગે યોગ્ય ડિકલેરેશન કરવું ફરજિયાત છે. નહીં તો કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.