દીપાવલી તહેવાર યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની અમૂર્ત ધરોહરમાં સ્થાન પામ્યો

દાહોદ જીલ્લામાં બાવકા શિવ મંદીર અને સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે આ ગૌરવપૂર્ણ સિદ્ધિને દિવાળી પર્વની જેમ કલાત્મક રંગોળી બનાવી, દીપ પ્રજ્વલિત કરી અને રોશની સાથે વધાવવામાં આવી.

ભારતના સૌથી મહત્વપૂર્ણ ગણાતા દીપાવલી તહેવારને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરમાં સ્થાન પ્રાપ્ત થયું છે, આ ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણી રૂપે દિપાવલીના પર્વમાં જેમ કલાત્મક રંગોળી બનાવવામાં આવે છે, તેવી જ રીતે જુદી જુદી રંગોળી બનાવી અને દીપ પ્રજ્વલિત કરી વધામણા કરવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા યુનેસ્કોનું 20 મું આંતરસરકારી સમિતિનું સત્ર 7-13 ડિસેમ્બર દરમિયાન લાલ કિલ્લો, નવી દિલ્હી ખાતે આયોજીત થયેલ છે. આ સત્રમાં 180 થી વધુ દેશોના 1000 થી વધુ પ્રતિનિધિ, સમિતિના સભ્યો, યુનેસ્કો અધિકારીઓ, નિષ્ણાંતો, એનજીઓ અને વારસાગત પરંપરાના ધારકો- ભાગ લઈ રહ્યા છે, ભારત સરકારે 2024-25 માં દીપાવલીનું નામાંકન રજૂ કર્યું હતું. જેને ભારતનું 16મું તત્વ તરીકે દીપાવલી તહેવાર અમૂર્ત સાંસ્કૃતિક વારસાની ધરોહર યાદીમાં સ્થાન પામ્યું છે. આ પ્રસંગને અનુરૂપ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રવાસન સ્થળો, શક્તિ પીઠ, પુરાતત્વ સાઇટ્સ પર પરંપરાગત દીપાવલી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.