ધાનપુર તાલુકાના કંજેટા ગામમાં સ્થળ પર કોઈ જ કામ કર્યા વિના માત્ર કોમ્પ્યુટર અને એ.આઈ.દ્વારા ફોટા એડિટ કરી પંચાયતના પોર્ટલ પર અપલોડ કરી દઈ ગ્રાન્ટમાંથી રૂ.૧૦ લાખની ઉચાપત કરી હોવાના આક્ષેપો કરી લેખિત રજુઆત કરી તપાસની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી છે.
કંજેટા ગામના મુખ્ય ફળિયામાં રહેતા અરજદાર હરપાલસિંહ નરેન્દ્રસિંહ પુવાર દ્વારા દાહોદ ડીડીઓને લેખિત ફરિયાદ કરી આક્ષેપ કર્યો છે કે, કંજેટા ગામના સરપંચ કુસુમબેન નવલાભાઈ રાઠવા અને તેમના ભાઈ બળવંતભાઈ નવલાભાઈ રાઠવાએ એકબીજાની મેળાપીપણામાં સરકારી યોજનાના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યો છે. કામો સ્થળ પર થયા જ નથી. છતાં મિલ્કતના પત્રકમાં અને સરકારી પોર્ટલ પર ખોટા ફોટોગ્રાફસ મુકીને નાણાં ઉપાડી લેવાયા છે. અરજદારે પોતાની રજુઆતમાં કુલ ૮ બોગસ કામોનુ લિસ્ટ આપ્યુ છે. જેમાં અંદાજિત .૧૦ લાખ ચાઉં કરી દેવાયા છે. જેમાં (૧)મુખ્ય રસ્તાથી સ્મશાન સુધી સી.સી.રોડ (અંદાજિત રૂ.૧,૫૦,૦૦૦), (૨)મુખ્ય રસ્તાથી રતનભાઈ કિશોરભાઈના ધર સુધી સી.સી.રોડ (અંદાજિત રૂ.૮૦,૦૦૦), (૩)કંજેટા બસ સ્ટેશન પાસે ટોઇલેટનુ કામ (અંદાજિત રૂ.૧,૦૦,૦૦૦), (૪)કંજેટા ગ્રામ પંચાયત ઓફિસ પાસે ટોઈલેટનુ કામ (અંદાજિત રૂ.૮૧,૦૦૦), (૫)વોર્ડ નં.-૭ મેડા દિનેશ ગજરાભાઈના જાહેર રોડ પર નાળાનુ કામ (અંદાજિત રૂ.૧,૦૦,૦૦૦),(૬)વોર્ડ નં.-૧ ચોકડી પર ટોઈલેટનુ કામ (અંદાજિત રૂ.૧,૦૧,૯૩૦), (૭)વોર્ડ નં.-૮ ચોૈહાણ પ્રતાતસિંહ રામસિંહના ધર પાસે નાળાનુ કામ (અંદાજિત રૂ૧,૦૦,૦૦૦), (૮)ધિરજપુરા ફળિયામાં સામુહિક શોૈચાલયનુ કામ (અંદાજિત રૂ.૩,૦૦,૦૦૦)અરજદારે માંગ કરી છે કે, આ તમામ કામોની તટસ્થ અધિકારી દ્વારા તપાસ કરે. ગુનેગારોને યોગ્ય સજા કરી સરપંચને સસ્પેન્ડ કરે. આ ફરિયાદની નકલ ગાંધીનગર ખાતે વિકાસ કમિશનર, દાહોદ કલેકટર, દે.બારીઆના પ્રાંત ઓફિસર અને ધાનપુરના તાલુકા વિકાસ અધિકારીને પણ મોકલી આપી છે.