
૧૨ ઓગસ્ટ બુધવારની અમાસથી દશામાતા વ્રતનો પ્રારંભ; ૬ ઇંચથી લઈને ૭ ફૂટ સુધીની કલાત્મક મૂર્તિઓથી બજાર શોભી ઉઠ્યું.
શ્રાવણ માસની અમાસથી શરૂ થતું દશામાતા વ્રત ગુજરાતના લોકઆસ્થાના મહત્વપૂર્ણ પર્વોમાંનું એક માનવામાં આવે છે. પરિવારના સુખ-સમૃદ્ધિ, સંતાનના કલ્યાણ, અખંડ સૌભાગ્ય અને તમામ પ્રકારની વિપત્તિના નિવારણ માટે મહિલાઓ વિશેષ શ્રદ્ધા અને ભક્તિભાવથી દશામાતાનું વ્રત કરે છે. આ વર્ષે 12 ઓગસ્ટ, 2026 બુધવારની અમાસથી દશામાતા વ્રતનો પ્રારંભ થતો હોવાથી ઝાલોદ નગરમાં અત્યારથી જ ધાર્મિક માહોલ છવાઈ ગયો છે.
નગરના વિવિધ વિસ્તારોમાં મૂર્તિકારોના કાર્યાલયોમાં દશામાતાની મૂર્તિઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. પરંપરાગત શણગાર, આકર્ષક રંગસજ્જા, કલાત્મક કારીગરી અને આધુનિક ડિઝાઇનથી સજ્જ મૂર્તિઓ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વર્ષે 6 ઇંચથી લઈને 7 ફૂટ સુધીની વિવિધ કદની દશામાતાની મૂર્તિઓ બજારમાં ઉપલબ્ધ છે. મૂર્તિઓની કિંમત ₹51થી શરૂ થઈ ₹15,000 સુધી રાખવામાં આવી છે, જેથી દરેક વર્ગના ભક્તો પોતાની શ્રદ્ધા અને સગવડ મુજબ માતાજીની મૂર્તિ સ્થાપિત કરી શકે.
મૂર્તિકારોના જણાવ્યા અનુસાર દશામાતા ઉત્સવને લઈને આ વર્ષે એડવાન્સ બુકિંગમાં સારો પ્રતિસાદ મળ્યો છે. અનેક પરિવારો અને મંડળોએ અગાઉથી જ પોતાની પસંદગીની મૂર્તિઓ બુક કરાવી દીધી છે. હાલમાં પણ મૂર્તિકારો દિવસ-રાત મહેનત કરીને માતાજીની મૂર્તિઓને રંગ, આભૂષણો અને વિશિષ્ટ કલાત્મક ડિઝાઇનથી જીવંત સ્વપ આપી રહ્યા છે.
ધાર્મિક માન્યતા મુજબ દશામાતાનું વ્રત શ્રદ્ધા, નિયમ અને નિષ્ઠાપૂર્વક કરવાથી ઘરમાં સુખ-શાંતિ, ધન-ધાન્યની વૃદ્ધિ, સંતાન સુખ, અખંડ સૌભાગ્ય અને સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. ભક્તો દસ દિવસ સુધી માતાજીની સ્થાપના કરીને નિયમિત પૂજન, દીપ પ્રગટાવી, આરતી અને વ્રતકથાનું શ્રવણ કરે છે. આ વ્રત માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ શ્રદ્ધા, સંસ્કૃતિ અને પરિવારના કલ્યાણ સાથે જોડાયેલી પવિત્ર પરંપરા તરીકે પણ ઉજવાય છે.
ઝાલોદમાં દશામાતા ઉત્સવને લઈને બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રંગબેરંગી મૂર્તિઓ, પૂજાસામગ્રી અને શણગારની વસ્તુઓથી બજારો સજ્જ બન્યા છે, જ્યારે ભક્તોમાં પણ માતાજીની સ્થાપના માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મૂર્તિકારોને આશા છે કે આગામી દિવસોમાં વધુ વેચાણ થશે અને આ વર્ષની દશામાતા ઉજવણી ભક્તિ, આસ્થા અને ઉમંગ સાથે યાદગાર બનશે.