રાજય ચુંટણી આયોગ દ્વારા દાહોદ જિલ્લા પંચાયત તેમજ સુખસર, ઝાલોદ, ફતેપુરા અને લીમડી તાલુકા પંચાયતોની આગામી ચુંટણીઓ માટે બેઠકોની અનામત ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ કરાયો છે. આ નવા સીમાંકન મુજબ દાહોદ જિલ્લા પંચાયત માટે કુલ ૫૦ બેઠકો નિર્ધારિત કરાઈ છે.
દાહોદ જિલ્લા પંચાયતની કુલ ૫૦ બેઠકોમાંથી અનુસુચિત આદિજાતી(એસ.ટી.)માટે સોૈથી વધુ ૩૮ બેઠકો ફાળવવામાં આવી છે. જેમાંથી ૧૯ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.અનસુચિત જાતિ(એસ.સી.)માટે ૧ બેઠક ફળવાઈ છે. જે મહિલા અનામત રાખવામાં આવી છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)માટે ૨૭ ટકા લેખે કુલ ૫ બેઠકો ફાળવવામાં આવી છે.જેમાં ૨ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.બાકી રહેલી ૬ બેઠકો બિન-અનામત(સામાન્ય)રહેશે.જેમાં ૩ બેઠકો મહિલાઓ માટે ફાળવવામાં આવી છે. આયોગે ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ ૩૯,૪૨૨ ની વસ્તી દીઠ એક બેઠકની રચના કરી છે. જિલ્લાના આંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોને કારણે કેટલાક મતદાર મંડળોમાં વસ્તીનુ પ્રમાણ ૨૦ ટકાની નિર્ધારિત મર્યાદા કરતા પણ વધુ અથવા ઓછુ રાખવાની ફરજ પડી છે. જેમાં મુખ્યત્વે ચાર મતદાર મંડળોનો સમાવેશ થાય છે. જેમાં “ભે મતદાર મંડળમાં વસ્તી ૩૧,૪૨૧ છે. જે ૨૦ ટકાની છુટ મર્યાદા કરતા ૦.૨૯ ટકા ઓવી છે. ખંગેલા મતદાર મંડળમાં ૪૮,૩૪૮ ની વસ્તી નોંધાઈ છે. જે મર્યાદા કરતા ૫.૧૭ ટકા વધુ છે. ખલતા ગરબડી વિસ્તારમાં ૩૦,૭૦૫ ની વસ્તી છે. જે મર્યાદા કરતા ૨.૧૦ ટકા ઓછી છે. જયારે નઢેલાવમાં ૪૮,૦૨૨ ની વસ્તી સાથે ૨૦ ટકાની મર્યાદા કરતા ૪.૩૫ ટકા વધુ વસ્તી સમાવવામાં આવી છે.શહેરની વિસ્તારોમાં વસ્તીની વધધટ ની મર્યાદા સામાન્ય રીતે ૧૦ ટકા હોય છે. પરંતુ દાહોદ જિલ્લો દુર્ગમ અને પહાડી હોવાથી આયોગે ખાસ કિસ્સામાં ૨૦ ટકા સુધીની છુટછાટ આપી છે.