દાહોદ જિલ્લામાં SIR ના 6.19 લાખ ફોર્મ પરત જમાં ન થયા : લાખો નામો કમી થવાની લટકતી તલવાર

દાહોદ જિલ્લામાં એસ.આઈ.આર.ની કામગીરીના બંને ચરણ પુર્ણ થઈ ગયા છે. ધણે ઠેકાણે મતદારોના નામ ન મળ્યા હોવાની તેમજ 2002ની યાદીમાંથી નામ ગુમ થવાની ગંભીર ફરિયાદો ઉભી થઈ છે. તેવા સમયે જિલ્લામાં 63 ટકા જ ફોર્મ પરત જમાં થયા છે. કારણ કે, છ લાખ કરતા વધુ મતદારોએ ફોર્મ જમાં જ ન કરાવતા આવા મતદારોના નામ મતદાર યાદીમાં કમી થઈ જવાની સંભાવનાઓ નકારી શકાતી નથી.

સમગ્ર ભારતમાં પ્રથમ વખત એસ.આઈ.આર.બિહારમાં અલમાં આવ્યા બાદ 65 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી ડીલીટ કરવામાં આવતા દેશભરમાં વિપક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ ચુંટણી આયોગે ગુજરાત સહિત 12 રાજયોમાં એસ.આઈ.આર.ની કામગીરી હાથ ધરતા દાહોદ જિલ્લામાં પણ હાલ આ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બી.એલ.ઓ.ના વિરોધ અને વિવાદો વચ્ચે આ કામગીરીના બે ચરણ પુર્ણ થઈ ચુકયા છે. ત્યારે દાહોદ જિલ્લામાં એસ.આઈ.આર.માટે કુલ 16,91,023 ફોર્મ મતદારોને વિતરીત કરવામાં આવ્યા હતા. અને તે ફોર્મ મતદારોએ ભરીને તા.23 નવેમ્બર સુધીમાં ચુંટણી કર્મચારીઓને પરત આપવાના હતા. ત્યારે તેના અંતિમ ચરણ બાદ જિલ્લામાંથી 10,71,665 ફોર્મભરાઈને પરત આવ્યા છે.જયારે 6,19,368 મતદારોએ ફોર્મ ભરીને પરત આપ્યા જ નથી. આમ જિલ્લામાં ફોર્મ પરત લેવામાં 63.37 ટકા સફળતા પ્રાપ્ત થઈ ચુકી છે. વિધાનસભા વાર આંકડો જોવામાં આવે તો ફતેપુરા વિધાનસભામાં 50.33 ટકા, ઝાલોદ વિધાનસભામાં 66.65 ટકા , લીમખેડા વિધાનસભામાં 78.15 ટકા, દાહોદ વિધાનસભામાં 63.77 ટકા , ગરબાડા વિધાનસભામાં 66.57 ટકા અને દે.બારીઆ વિધાનસભામાં 65.33 ટકા ફોર્મ જમાં થયા છે. હવે તેની સત્યતા ચકાસીને સાચા અને ખોટા મતદારો શોધી કાઢવામાંઆવશે. જેમના પુરાવા લઈને તેના આધારે નામો દાખલ કરવામાં આવશે. જો કે તેના માટે મતદારોએ પોતના ફોર્મ ભરીને બી.એલ.ઓ.સુધી પહોંચાડવા જરૂરી હોવા છતાં જિલ્લામાં આખામાં લાખો મતદારોના ફોર્મ જમાં ન થતાં ધણા પ્રશ્ર્નાર્થો સર્જાયા છે.