છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સમય મર્યાદા પુર્ણ થઈ હોવા છતાં નવી ચુંટણી જાહેર નહિ કરાતા જિલ્લાના પ્રા.શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
સપ્ટેમ્બર-૨૦૨૨માં જિલ સંઘની ચુંટણી યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે શૈલેષભાઈ રાઠવા વિજેતા બન્યા હતા. પરંતુ તેમના અચાનક અવસાન બાદ સંઘના બંધારણના નિયમો વિરુદ્ધ જઈ ચાર્જ સોપ્યો હોવાનો શિક્ષકોએ આરોપ લગાવ્યો છે. બંધારણ મુજબ ૬ માસની અંદર ચુંટણી યોજીને પ્રક્રિયા પુર્ણ કરવાની હોય છે. પરંતુ ચુંટણી યોજાયા વિના જ લેટરપેડ પર હોદ્દાઓ લખી નાણાંકિય અને અન્ય વહીવટ ચલાવી રહ્યા છે. છોટાઉદેપુર ખાતે શિક્ષક ભવન ખરીવા માટે વડોદરા જિલ્લા સંઘ, છોટાઉદેપુર સંઘના સભાસદો અને નિવૃત્ત શિક્ષકો પાસેથી આશરે ૧૭,૬૫,૦૦૦ જેટલુ દાન અને ફંડ એકત્ર કર્યુ હતુ. ભવન ખરીદવા માટે માત્ર ૧,૩૫,૦૦૦ ની રકમ જ બાકી રહેતી હતી શિક્ષક ભવન બની શકયુ નથી. આ એકત્રિત થયેલા લાખો પિયા હાલ કયા ખાતામાં છે…તેનો હિસાબ શુ છે…અને તેનો શુ ઉપયોગ થઈ રહ્યો છે…?તે જાણવાનો અધિકાર તમામ શિક્ષક સભાસદોનો છે. સપ્ટે.-૨૦૨૬માં ૪ વર્ષનો સમયગાળો પુર્ણ થવા આવ્યો છે. છેલ્લા છ માસથી કારોબારીની કોઈ બેઠક યોજાઈ નથી. તેમજ બદલીઓ થવાને કારણે સંઘના ૪ મહત્વના હોદ્દાઓ ખાલી પડ્યા છે. યોગ્ય આયોજન અને સંકલનના અભાવે શિક્ષકોના પ્રશ્ર્નો ઉકેલવાને બદલે દિન-પ્રતિદિન વધતા જાય છે. સંઘના બંધારણની જોગવાઈઓનુ પાલન થાય, વહીવટમાં પારદર્શિતા આવે અને શિક્ષકોના પડતર પ્રશ્ર્નોનો વહેલી તકે નિકાલ આવે તે માટે છોટાઉદેપુર જિલ્લા શિક્ષકો દ્વારા તાત્કાલિક નવી ચુંટણી યોજવામાં આવે તેવી માંગ કરી છે.