ભાવનગરમાં કપાસની વાડીમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ,૫૦ લાખના ૧૬૧ છોડ સાથે ખેડૂત ઝડપાયો

ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં બગદાણા નજીક આવેલા કળમોદર ગામમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. એક ખેડૂતે પૈસા કમાવવાની લાલચમાં પોતાની વાડીમાં કપાસના પાકની વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હતું. બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડીને ૧૦૦ કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ૫૦ લાખથી વધુની કિંમતના ગાંજાના ૧૬૧ છોડ સાથે ઘોહારામ ભમ્મરની ધરપકડ કરી છે.

પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે કળમોદર ગામની એક વાડીમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન કપાસના પાકની વચ્ચે ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ગાંજાના ૧૬૧ છોડ કબજે કર્યા હતા. આ છોડની અંદાજિત કિંમત ૫૦ લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ઘોહારામ ભમ્મરને ઝડપી લેવામાં આવ્યો છે.જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયે જણાવ્યું હતું કે ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા અને ડ્રગ્સ ફ્રી ગુજરાત અભિયાન અંતર્ગત જિલ્લામાં સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ડ્રગ્સ સંબંધિત કુલ ૩૫ કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં જ ૨ કેસ નોંધાયા છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશને વધુ અસરકારક બનાવવા આગામી દિવસોમાં એસઓજી,એલસીબી એનએનડબ્લ્યુ અને સ્થાનિક પોલીસ દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત ડ્રોનની મદદથી પણ શંકાસ્પદ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસને આશા છે કે આ ટેક્નોલોજીની મદદથી ડ્રગ્સના વધુ કેસ શોધી શકાશે