ભાવનગરના ૧૫ વર્ષના ૨૧ ભૂલકાઓની અનોખી ભક્તિ! ૪૨૫ કિમીની ’સ્કેટિંગ યાત્રા’ કરી દ્વારકા જગત મંદિરે શિર નમાવ્યું

સામાન્ય રીતે ભગવાનની ભક્તિ કરવા માટે અનોખી રીતો અપનાવતા હોય છે. ઘણા ભક્તો ઉપવાસ કે માનતા તો ઘણા લોકો પદયાત્રા કે સાયકલ યાત્રા જેવી અવનવી રીતોથી ભક્તિ કરી ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ હાલના સમયમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કાજે અનોખી રીતે પહોંચેલા નાના-નાના ૨૧ ટેણિયાઓએ ભારે ચર્ચા જગાવી છે. જેઓ ભાવનગરથી દ્વારકા સુધીની ૪૨૫ કિમી ’સ્કેટિંગ યાત્રા’ કરી ભગવાન દ્વારકાધીશના શરણે પહોંચ્યા છે.

સામાન્ય રીતે દ્વારકાધીશના દર્શન માટે લોકો પદયાત્રા કે સાયકલ યાત્રા કરતા હોય છે, પરંતુ ભાવનગર શહેરના લાયન સ્કેટિંગ ક્લબના આ નાના-નાના ટેણિયાઓએ ભક્તિનો એક નવો જ માર્ગ કંડાર્યો છે. ૬થી ૧૨ વર્ષની વયના આ ૨૧ જેટલા બાળકોએ ભાવનગરથી દ્વારકા સુધીનું ૪૨૫ કિલોમીટરનું અંતર સ્કેટિંગ દ્વારા કાપીને જગત મંદિર ખાતે શીશ ઝુકાવ્યું છે.

ભાવનગરના લાયન્સ સ્કેટિંગ ક્લબ દ્વારા આયોજિત આ અનોખી યાત્રામાં ૨૦ છોકરાઓ અને ૧ છોકરી મળી કુલ ૨૧ બાળકો જોડાયા હતા. તેઓની આ સાહસિક સ્કેટિંગ યાત્રાનો પ્રારંભ ૨૫મી ડિસેમ્બરના રોજ ભાવનગરના નીલમબાગ ખાતેથી થયો હતો. બાદમાં ૪ દિવસ ધોમધખતા તાપ અને રસ્તાના પડકારોને ઝીલીને આ બાળકો સતત સ્કેટિંગ કરતા દ્વારકા હાલ પહોંચ્યા છે.

નોંધનીય છે કે, લાયન્સ સ્કેટિંગ ક્લબની આ યાત્રા પાછળ માત્ર ધામક ઉદ્દેશ જ નહીં પરંતુ એક ખૂબ જ મહત્વનો સામાજિક ઉદ્દેશ્ય પણ છુપાયેલો છે. આજના આધુનિક યુગમાં બાળકો મોબાઈલ ગેમ અને સોશિયલ મીડિયામાં કેદ થઈ ગયા છે. ત્યારે આ યાત્રા દ્વારા આ નાના-નાના બાળકોએ અન્ય બાળકોને મોબાઈલ છોડી શારીરિક પ્રવૃત્તિઓ તરફ વળવાનો સંદેશ અપાયો હતો.

હાલના સમયમાં નાની ઉંમરથી જ બાળકો મોબાઈલમાં ઘૂસી જાય છે, જેથી તેઓનો શારીરિક અને માનસિક વિકાસ અટકી જાય છે, ત્યારે આ યાત્રા દ્વારા બાળકોએ પોતાના શરીરને કષ્ટ આપીને માનસિક અને શારીરિક રીતે મજબૂત બને તેવો પ્રયાસ કર્યો છે, આટલું જ નહીં યાત્રા દરમિયાન બાળકોમાં શિસ્ત, સહનશીલતા અને આયાત્મિક ભાવનાનો પણ વિકાસ થયો છે.

ભાવનગરથી દ્વારકાની ૪૨૫ કિમીની સ્કેટિંગ યાત્રા દરમિયાન આટલા લાંબા રૂટ પર જે જે ગામો અને શહેરો આવ્યા, ત્યાં સ્થાનિક લોકોએ આ નાના સ્કેટર પ્રવાસીઓનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું. જેથી આ બાળકોના ચહેરા પર થાકને બદલે દ્વારકાધીશના દર્શનનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આટલા લાંબા અંતરની સ્કેટિંગ યાત્રા કરીને આ બાળકોએ એક નવો રેકોર્ડ પણ પ્રસ્થાપિત કર્યો છે.

હાલ આ નાના બાળકોની હિંમત અને ભક્તિ જોઈને દ્વારકા આવતા અન્ય શ્રદ્ધાળુઓ પણ આશ્ર્ચર્યચક્તિ થઈ ગયા હતા. માત્ર ૧૫ વર્ષ સુધીની નાની કુમળી વયે એક છોકરી સહિત આ ૨૧ બાળકોએ ૨૫ ડિસેમ્બરે ભાવનગરના નીલમબાગથી આ યાત્રા શરૂ કરી ચાર દિવસમાં અધધ ૪૨૫ કિલોમીટર જેટલું અંતર સ્કેટિંગ દ્વારા કાપી એક નવો જ કિતમાન સ્થાપ્યો છે. ત્યારે આ અનોખી ઘટનાએ હાલ સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચા જગાવી છે.