ઉતરાયણ પહેલા ગુજરાત હાઈકોર્ટનો રાજ્ય સરકારને આદેશ, ચાઇનીઝ દોરી વેચનારાઓ પર ત્રાટકો

ઉત્તરાયણ પહેલાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને કડક આદેશ આપ્યો છે. ચાઇનીઝ દોરી અને ટુક્કલ સહિતની વસ્તુઓ વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું છે કે ચાઇનીઝ દોરીનું વેચાણ અને સંગ્રહ કરનારની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે.

સરકારે ચાઇનીઝ દોરીના વેચાણ અને તેના ટુક્કલના વેચાણ અંગે અત્યાર સુધી જે કાર્યવાહી કરવામાં આવી છે તેનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો હતો. સરકારના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ચાઇનીઝ દોરીના વેચાણ બદલ કુલ ૫૯ કેસ નોંધવામાં આવ્યા છે અને અંદાજે ૩૭ લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો છે.

તેની સાથે સરકારે જણાવ્યું હતું કે આ પ્રકારે ચાઇનીઝ વસ્તુઓ રાખનાર, વેચનારની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તરાયણ સંબંધિત વસ્તુઓના વેચાણને લઈને રાજ્યની હાઈકોર્ટે માર્ગદશકા જાહેર કરે છે અને સરકારે પણ ઉત્તરાયણ અંગે જાહેર કરવામાં આવેલી માર્ગદશકાઓ ના અમલની ખાતરી આપી છે. આ દિશામાં સક્રિયપણે અમલ થાય તે માટે જિલ્લા પોલીસ વડાને ડે-ટુ-ડે રિપોર્ટ કરવાનો પણ કોર્ટે આદેશ આપ્યો છે.

આમ આગામી પખવાડિયા સુધી ચાઇનીઝ દોરીનું અને વસ્તુઓનું વેચાણ કરનારાઓ પર બરોબરની તવાઈ આવવાની છે. તેથી જે વેપારીઓએ ચાઇનીઝ દોરીનો સ્ટોક કરી રાખ્યો હશે અને તેનો નિકાલ કરવાની ફિરાકમાં હશે તેમને ઘણી તકલીફ પડી શકે છે. પોલીસ આ રીતે સ્ટોક કરી રાખનારા વેપારીઓ પર ગમે ત્યારે ત્રાટકી શકે છે. હાઈકોર્ટે ડે-ટુ-ડે કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે, તેથી પોલીસ પાસે પણ હવે હાઈકોર્ટને જવાબ આપ્યા વગર છૂટકો નથી.

આમ પહેલા ચાઇનીઝ દોરીના કારણે લોકોના ગળા કપાતા હતા, હવે ચાઇનીઝ દોરીના લીધે વેપારીઓનું ગળું પોલીસના હાથમાં હશે. આમ વેપારીઓએ તે જોવું પડશે કે ઉત્તરાયણ પૂર્વે જ ચાઇનીઝ દોરીનું વેચાણ કરવા બદલ કોર્ટ તેમના કારોબારનો ઉડતો પતંગ જ ન કાપી નાખે.

ઉલ્લેખનીય છે કે હજી બે દિવસ પહેલાં જ ઉત્તરાયણના તહેવાર પૂર્વે ગુજરાત પોલીસે જીવલેણ ચાઇનીઝ દોરી સામે ઐતિહાસિક કાર્યવાહી કરી હતી. અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમોએ રાજ્યમાં પ્રથમ વખત આ જીવલેણ દોરીના ઉત્પાદનના મૂળ સુધી પહોંચીને મોટો રેકેટ ઝડપ્યો છે. આ કાર્યવાહીમાં રૂ. અઢી કરોડથી વધુ કિંમતનો મસમોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી ગણી શકાય.ચાઇનીઝ દોરી કાચ કે મેટલથી કોટેડ હોવાથી અત્યંત તીક્ષ્ણ હોય છે અને તેનાથી માનવજીવન તેમજ પક્ષીઓને ગંભીર ઇજા થાય છે.

દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન આવા અકસ્માતોમાં ગળા કપાવાના કે મોતના કિસ્સા સામે આવે છે. આ જોખમને યાનમાં રાખીને રાષ્ટ્રીય હરિયાલી અદાલતએ ચાઇનીઝ દોરી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.અમદાવાદ ગ્રામ્ય એસઓજીની અલગ-અલગ ટીમોએ સાણંદ પોલીસ સ્ટેશનની હદમાંથી મોટા ગોડાઉનમાંથી વિશાળ જથ્થો ઝડપ્યો હતો.

આ ઉપરાંત વટવા, બાવળામાં પણ દરોડા પાડી વધુ ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.તપાસમાં ખુલ્યું કે આ દોરીનું ઉત્પાદન દાદરા અને નગર હવેલીમાં એક ફેક્ટરીમાં થતું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તે ફેક્ટરીને સીલ કરાવી દીધી છે.આ કાર્યવાહીને રાજ્યમાં પ્રથમ વખતની સૌથી મોટી કાર્યવાહી ગણાવવામાં આવી રહી છે, કારણ કે અગાઉ માત્ર વેચાણ કે સ્ટોક જપ્ત થતો હતો, પરંતુ આ વખતે ઉત્પાદનના ોત સુધી પહોંચવામાં સફળતા મળી છે.

સાબરકાંઠામાં સોશિયલ મીડિયા થકી ચાઇનીઝ દોરીનું વેચાણ થાય છે. આમ સોશિયલ મીડિયાનો ઉપયોગ પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ માટે થવા લાગ્યો છે. ગુજરાતમાં ઉત્તરાયણ આવતા માનવી અને પશુઓ માટે ઘાતક એવા ચાઇનીઝ માંજા સામે પોલીસે વ્યાપક ઝુંબેશ શરૂ કરી છે ત્યારે કેટલાય વિસ્તારોમાં ચાઇનીઝ માંજાના વેપારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

તેમણે હવે ચાઇનીઝ માંજાનું વેચાણ કરવા માટે જાહેર સ્થળો ત્યજીને સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે ગુજરાતમાં હવે ચાઇનીઝ માંજાનો પ્રતિબંધ દારૂ પરના પ્રતિબંધ જેવો નીવડી રહ્યો છે. પ્રતિબંધ હોવા છતાં પણ લોકો ચાઇનીઝ દોરી ખરીદી રહ્યા છે. ચાઇનીઝ દોરીના કારોબાર પર તંત્રની બાજ નજર હોવા છતાં પણ ચાઇનીઝ દોરીના વેપારીઓ તંત્રને ચાતરી જવામાં સફળ રહ્યા છે તેમ કહી શકાય. ચાઇનીઝ દોરી અબોલ પક્ષીઓ સહિત માનવજાત માટે જોખમી છે. જીવદયા પ્રેમીઓના અને તંત્રના અથાક પ્રયાસો છતાં પણ લોકોમાં મરી પરવારેલી સંવેદનશીલતા તથા કોઈપણ ભોગે વધુને વધુ પતંગ કાપવાના ઝનૂનનો ભોગ માણસોની સાથે અબોલ પશુઓ પણ આ ઉત્તરાયણે બનવાના છે તે નિશ્ર્ચિત છે.