બાલાસિનોરના દોલતપોરડા ગ્રામ પંચાયતમાં ૨૫ લાખથી વધુની નાણાંકિય ગેરરિતી આચરાઈ

બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ગ્રામ પંચાયતમાં તત્કાલિન તલાટી ઉર્મીલા બેલદાર સહિત અન્ય પાંચ તલાટીઓ સહિત જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા કરાયેલ ઉચાપત અને તપાસમાં ગેરરિતી બાબતે છેલ્લા ચાર વર્ષમાં સરપંચ મનોજ પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીથી લઈને મુખ્યમંત્રી સુધી અંદાજિત ૫૦થી વધુ અરજી કરી હતી. જેમાં મહિસાગર જિલ્લા વિકાસ અધિકારીએ તપાસોના અંતે ચોકકસ તલાટીઓ દ્વારા નાણાંની ગેરરિતી અને ગ્રામ પંચાયતની રેકોર્ડ ગુમ થયાની અંગે વિગતો મળવા છતાં બાલાસિનોર તાલુકા વિકાસ અધિકારીને નનામી પોલીસ ફરિયાદ નોંધાવવા હુકમ કરતા અનેક સવાલો ઉઠ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહિસાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ દ્વારા બાલાસિનોર તાલુકા વિકાસ અધિકારીને ૩૦મેના રોજ એક હુકમ કરાયો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, તત્કાલિન ત.ક.મંત્રી ઉર્મીલાબેન એફ.બેલદારના ફરજ સમયગાળા (વર્ષ-૨૦૧૮/૧૯ થી ૨૦૨૧/૨૨)દરમિયાન કુલ ‚.૨૫,૬૭,૨૨૦/-ની ગંભીર નાણાંકિય અનિયમિતતા અને વાઉચરો વિના અધુરી વિગતો સાથે શંકા ઉપજાવી ખર્ચ કર્યાનુ ફલિત થાય છે. તેમજ વર્ષ-૨૦૧૮/૧૯ના સામાન્ય રોકડ મેળમાં સરપંચની સહી વિના ‚.૪,૧૧,૪૦૦/-નો વાઉચર વગર ખર્ચ કરેલ હોવાનુ સ્પષ્ટ જણાય છે. બદલી સમયે તત્કાલિન ત.ક.મંત્રઓ પૈકી પાંચ તલાટીઓએ વિધિવત ચાર્જ સોંપણી ન થવાના કારણે જ ગ્રામસભા કે સામાન્ય સભાની અસલ ઠરાવ બુક અને એજન્ડા બુક કોના સમયમાં ગુમ થઈ તે સ્પષ્ટ થતુ નથી. જેથી સરકારી રેકોર્ડ ગુમ અને નાણાંની અનિયમિતતા અને ગેરરિતી બાબતે નનામી પોલીસ ફરિયાદ નોંધાવતા તાલુકા વિકાસ અધિકારી દિન-૭માં કર્મચારીની નિયુકત કરીને અજાણ્યા ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધવા હુકમ કરાતા અનેક તર્કવિર્તક જોવા મળ્યો છે. એક તરફ જિલ્લા વિકાસ અધિકારી પોતે હુકમમાં નાણાંની ગેરરિતી કરનાર તલાટીનો ઉલ્લેખ કરે છે. તેમજ સરકારી રેકોર્ડ ગુમ બાબતે પાંચ જેટલા તત્કાલિન તલાટીઓને નામજોગ ઉલ્લેખ કરવા છતાં હુકમમાં નનામી પોલીસ ફરિયાદ નોંધાવા માટે હુકમ કરતા હાલ બાલાસિનોર તાલુકા વિકાસ અધિકારી પણ ગોથે ચઢ્યા હોય તેમ લાગે છે.