
બાલાસિનોર ખાતે દેશભક્તિના જોશ અને ઉત્સાહ સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને મોટી સંખ્યામાં નગરજનો, યુવાનો, કાર્યકરો અને આગેવાનો યાત્રામાં જોડાયા હતા. ભારત માતાની જયના ગગનભેદી નાદથી સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

તિરંગા યાત્રામાં બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, અમૂલ ડેરીના ડિરેક્ટર તથા પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક, નગરપાલિકાના પ્રમુખ તેમજ કારોબારી સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત બાલાસિનોર પ્રાંત અધિકારી મિતેશભાઈ વસાવા, બાલાસિનોર પોલીસ સ્ટેશનના પી.આઈ. તથા પોલીસ સ્ટાફ, તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ તેમજ ભાજપના કાર્યકરો પણ તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા. રાષ્ટ્રધ્વજના સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરતી આ યાત્રા દરમિયાન દેશભક્તિના નારા અને જયઘોષથી સમગ્ર માર્ગ પર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. યુવાનો સહિત નગરજનોમાં તિરંગા યાત્રા પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્ર એકતા, અખંડિતતા અને દેશપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો.