
સંખેડા તાલુકાના માલુ ગામથી વડગામ વસાહત તરફ જતો અંદાજે દોઢ કિલોમીટર લાંબો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે.
આ રસ્તાની હાલત એટલી હદે ખરાબ થઈ ચૂકી છે કે, તેના પરથી ડામરનું નામોનિશાન મટી ગયું છે. અને સમગ્ર માર્ગ પર માત્ર ઉખડેલી કપચી તેમજ કાંકરા જ જોવા મળી રહ્યા છે. જેના કારણે વસાહતમાં વસતા આશરે ૧૫૦ જેટલા સ્થાનિક રહીશોને રોજબરોજની અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ઘણા વર્ષો પહેલાં આ રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ યોગ્ય સમારકામ કે નવીનીકરણના અભાવે રસ્તો સાવ તૂટી ગયો છે. હાલ પરિસ્થિતિ એવી છે કે આ માર્ગ પર પગપાળા ચાલવું પણ જોખમી બન્યું છે, ત્યારે ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર જેવા વાહનો લઈને પસાર થવું અત્યંત મુશ્કેલ અને અકસ્માત નોતરનાં સાબિત થઈ રહ્યું છે.
આ દોઢ કિલોમીટરના માર્ગની બંને બાજુએ ઝાડી-ઝાંખરા પણ ઊગી નીકળ્યા છે, જેના કારણે રસ્તો વધુ સાંકડો અને જોખમી બન્યો છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન અને રાત્રિના સમયે આ બિસ્માર રસ્તા પરથી પસાર થવું ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન બની જાય છે.
વર્ષોથી પડી રહેલી આ મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા માટે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે. જવાબદારો આ મામલે તાત્કાલિક ધોરણે સર્વે કરી, સત્વરે નવો પાકો રસ્તો બનાવે તેવી માગ છે.