અમદાવાદની પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કરની ધરપકડ, પ્લોટના નામે રૂ.૧.૫૬ કરોડની છેતરપિંડીનો આરોપ

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં જમીન અને પ્લોટના નામે રોકાણ કરાવવાના બહાને નાગરિકો સાથે કથિત છેતરપિંડીના કેસમાં કામરેજ પોલીસે અમદાવાદની જાણીતી પતંગ હોટેલના માલિક ઉમંગ હરીભાઈ ઠક્કરની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ જેલના હવાલે કર્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

પોલીસ તપાસ મુજબ આરોપીએ કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં ‘નિર્વાણા’ નામથી પ્લોટિંગ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. ફરિયાદ અનુસાર, જમીનનું ટાઇટલ સ્પષ્ટ ન હોવા છતાં પ્રોજેક્ટનું માર્કેટિંગ કરીને પ્લોટના બુકિંગ શરૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે અનેક લોકોએ તેમાં રોકાણ કર્યું હતું.

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, જે જમીન પર પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યો હતો તે વર્ષ ૨૦૧૮માં જ અન્ય વ્યક્તિને વેચાઈ ચૂકી હતી. તેમ છતાં પ્લોટ વેચાણ ચાલુ રાખવામાં આવ્યું હોવાના આરોપો છે. આ કારણે રોકાણ કરનારાઓને પ્લોટ મળ્યા નહીં અને તેમના નાણાં પણ પરત ન મળ્યાની ફરિયાદ કરવામાં આવી છે.

કામરેજ પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ ૧૫થી ૧૬ જેટલા ફરિયાદીઓ પાસેથી પ્લોટ આપવાના વાયદા સાથે કુલ રૂ.૧.૫૬ કરોડ વસૂલ્યા હતા. જાકે, પ્લોટની ફાળવણી કરવામાં આવી નહોતી. લાંબા સમય સુધી કોઈ ઉકેલ ન આવતા ભોગ બનનારાઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

એક મહિલા સહિત અનેક ફરિયાદીઓની લેખિત અરજીના આધારે કામરેજ પોલીસે એપ્રિલ ૨૦૨૬માં ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વિવિધ દસ્તાવેજા અને વ્યવહારોની ચકાસણી કરવામાં આવી હતી, જેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

કામરેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને તપાસ દરમિયાન અન્ય લોકોની સંડોવણી અથવા નવા ખુલાસા સામે આવે છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે.ભારત સમાચાર

આ સમગ્ર કેસમાં પોલીસ તપાસ હજુ ચાલુ હોવાથી આગામી દિવસોમાં વધુ મહત્વની માહિતી સામે આવી શકે છે. હાલ ફરિયાદીઓ ન્યાયની આશા રાખી રહ્યા છે, જ્યારે પોલીસ તમામ પાસાઓની તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી આગળ વધારી રહી છે.