અમદાવાદમાં ચીમનલાલ પટેલ બ્રિજના ફૂટપાથમાં તિરાડો, ધોળકામાં ૨ મહિના જૂનું નાળું તૂટ્યું

અમદાવાદ જિલ્લાના ધોળકામાં ભારે વરસાદ વચ્ચે પીપળી-વટામણ જૂના હાઇવે પર આવેલું નાળું અચાનક તૂટી પડતાં વાહનવ્યવહાર પર મોટી અસર પડી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ હાઇવેનો આ માર્ગ તાત્કાલિક બંધ કરી દીધો છે. ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ, ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધતાં નાળાનું સ્ટ્રક્ચર નુકસાન પામ્યું અને તે તૂટી પડ્યું. માર્ગ બંધ થતાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી અને મુસાફરોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ નાળાનું નિર્માણ માત્ર બે મહિના પહેલાં જ કરવામાં આવ્યું હતું. આટલા ઓછા સમયમાં જ નાળું તૂટી જતાં કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. લોકો દ્વારા સમગ્ર મામલે જવાબદારી નક્કી કરી તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

બીજી તરફ અમદાવાદ શહેરમાં ચીમનલાલ પટેલ બ્રિજની સ્થિતિને લઈને પણ ચિંતા વધી છે. બ્રિજના ફૂટપાથનો એક ભાગ લગભગ ૧૦ ઇંચથી વધુ બહાર નીકળી ગયો હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત બ્રિજના સ્પાનમાં પણ તિરાડો જાવા મળતાં સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થયા છે.

તાજેતરમાં સુભાષ બ્રિજની ઘટનાના બાદ શહેરના બ્રિજાની તપાસ કરવામાં આવી હતી. તે દરમિયાન ચીમનલાલ પટેલ બ્રિજનું પણ નિરીક્ષણ કરાયું હતું. તેમ છતાં હવે બ્રિજમાં ખામીઓ સામે આવતાં કોર્પોરેશનની નિરીક્ષણ પ્રક્રિયા અને જાળવણી પર સવાલો ઊભા થયા છે.

સ્થાનિકો અને નાગરિકોમાં માંગ ઉઠી રહી છે કે નાળું અને બ્રિજ બંનેના બાંધકામ તથા જાળવણીમાં કોઈ બેદરકારી રહી છે કે કેમ તેની ઉચ્ચસ્તરીય તપાસ થવી જાઈએ. ખાસ કરીને લાખો વાહનોની અવરજવર ધરાવતા ચીમનલાલ પટેલ બ્રિજની સલામતીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જરૂરી મરામત અને ટેકનિકલ ઓડિટ કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે.

એક તરફ માત્ર બે મહિના જૂનું નાળું તૂટી પડવું અને બીજી તરફ શહેરના મહત્વના બ્રિજમાં તિરાડો તથા ફૂટપાથ ખસી જવાની ઘટના સામે આવતાં અમદાવાદ જિલ્લામાં જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા ફરી ચર્ચામાં આવી છે. હવે લોકોની નજર તંત્રની કાર્યવાહી અને તપાસના પરિણામો પર ટકેલી છે.