અમદાવાદમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તમામ હદો વટાવી, ૩ વર્ષ બાદ ચોંકાવનારી હકીક્ત સામે આવી

શહેરના ઘોડાસર વિસ્તારમાં માતાપિતા અને પરિવાર સાથે રહેતી યુવતી ઘરકામ કરતી હતી અને ઘોડાસરમાં જ આવેલા જીમમાં ક્સરત કરવા માટે જતી હતી. જીમમાં યુવતીની મિત્રતા વટવાના યુવક સાથે થઈ હતી. આ યુવકે પોતે અપરણિત હોવાનું જણાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીને લગ્નની લાલચ આપીને જુદી-જુદી જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું. સાથે જ તદુપરાંત શિવ મંદિરમાં યુવતીને લઈ જઈને તેના માથામાં સિંદૂર પૂરીને ફોસલાવીને અનેક વખત દુષ્કર્મ પણ આચર્યું હતું. જેથી આ મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.

બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, વટવા ગામમાં પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતો અને કાર વોશિંગનું કામકાજ કરીને રોજીરોટી મેળવતો ૩૫ વર્ષીય અઝહરુદ્દીન પિંજારા ઘોડાસરમાં આવેલા જીમમાં જતો હતો. ત્યાં આગળ ઘોડાસર જ્યોતિબા હોસ્પિટલની નજીક રહેતી યુવતી પણ જીમમાં આવતી હોવાથી બંને વચ્ચે સંપર્ક થયો અને બાદમાં મિત્રતા થયેલી હતી.

જોકે યુવક પરણિત હોવા છતાં ખોટું બોલ્યો અને યુવતીને પ્રેમજાળમાં ફસાવીને સપ્ટેમ્બર ૨૦૨૨ની સાલમાં યુવતીની મહિલા મિત્રના ઘરે યુવતીને લઈ ગયો અને લગ્ન કરવાની લાલચ આપીને શરીર સંબંધ બાંયો હતો. એક વર્ષ બાદ યુવતીને બહાર ફરવા લઈ જવાનું કહીને આરોપીએ અવાવરું જગ્યાએ ગાડી ઊભી રાખીને અને યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ ઉપરાંત પીડિત યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૩ના ફેબ્રુઆરી મહિનામાં આરોપી તેને જેતલપુર ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં શિવ મંદિરમાં લઈ ગયો અને યુવતીના માથામાં સિંદૂર પૂરીને હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. લગ્ન થયા પછી પણ આરોપીએ પોતે પરણિત અને ત્રણ દીકરીઓનો પિતા હોવાની વાત યુવતીને જણાવી નહોતી. બાદમાં વર્ષ ૨૦૨૫માં તાજેતરમાં જ યુવતીને જાણ થઈ કે તે જે યુવકના પ્રેમમાં પાગલ થઈ ગઈ છે તે પરણિત છે અને ત્રણ દીકરીનો પિતા પણ છે. આ વાત જાણીને યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ અને સમગ્ર મામલે પરિવારને જાણ કર્યા બાદ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અઝહરુદ્દીન પિંજારાની દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરી છે.

યુવકની હકીક્ત જાણ્યા બાદ યુવકે યુવતીના પિતા અને ભાઈને મારી નાંખવાની ધમકી આપી. પ્રેમજાળમાં ફસાવીને યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ ગુજારનાર આરોપીએ ચોરી ઉપર સે સીના જોરી જેવું વર્તન કર્યું. યુવતીને પ્રેમી યુવકની હકીક્તની જાણ થતા યુવકે નફટાઈ પૂર્વક જણાવ્યું કે હું તારી સાથે લગ્ન નહીં કરું અને જો વધારે ડાહપણ કરીશ તો તને બદનામ કરી નાંખીશ અને તારા બાપ તથા ભાઈને જીવતા નહીં છોડું તેવી ધમકી યુવકે યુવતીને આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.