સુરતમાં પારિવારિક સંપત્તિના વિવાદમાં મોટા ભાઈએ નાના ભાઈ અને માતાની હત્યા કરી દીધી

સુરતમાં ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. સુરત શહેરના લીંબાયતમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં આજે (૧૮ ઓક્ટોબર) એ વહેલી સવારે એક જ પરિવારના બે સભ્યોની હત્યા થઈ છે. મિલકત વિવાદને કારણે મોટા ભાઈએ તેના માતા અને નાના ભાઈની હત્યા કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર આજે સવારે સુરતના લીંબાયત વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ મૂળ તેલંગણાના વતની અને સુરતમાં રહેતા તેલુગુ પરિવારના મલેશ્વરી સુદર્શન ગોડુંરૂને ત્રણ પુત્ર છે. મલેશ્વરીબેન તેમના નાના પુત્ર રાજુ સાથે રહેતા હતા. પરિવારમાં મિલકત અને દુકાનના ભાડાને લઈને વિવાદ થયો હતો. માતા નાના પુત્રની સાથે રહેતાં હોવાથી ભાડાની રકમ નાના દીકરા રાજુને આપતા હતા. જેને લઈને મોટો પુત્ર શ્રીનિવાસ નારાજ હતો.

પરિવારમાં મિલકત અને ભાડાની આવકને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. થોડા સમય પહેલા મલેશ્વરીબેને મોટા દીકરાને કહ્યું હતું કે હું જીવી રહી છું ત્યાં સુધી સંપત્તિમાં કોઈ ભાગ પડશે નહીં. ત્યારબાદ મોટો પુત્ર શ્રીનિવાસ રોષે ભરાયો હતો.

ભાડાની આવક અને મિલકત મુદ્દે રોષે ભરાયેલો મોટો પુત્ર આજે સવારે નાના ભાઈની ઘરે પહોંચ્યો હતો.

લીંબાયત સ્થિત સહજાનંદ સોસાયટીમાં આવેલા ઘરે મિલકતને લઈને વિવાદ વધી ગયો હતો. ત્યારબાદ મોટા ભાઈ શ્રીનિવાસે નાના ભાઈ રાજુ અને માતા મલેશ્વરીબેન પર છરીના ઘા ઝીંકી દીધા હતા. માતા-પુત્ર જમીન પર ઢળી પડ્યા અને ગંભીર ઈજા થતાં બંનેના મોત થયા હતા.

વહેલી સવારે બનેલી આ ઘટના બાદ સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને મોટા પુત્રની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. લીંબાયતમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં પણ ડબલ મર્ડરની ઘટના બાદ હડકંપ મચી ગયો હતો.