જૂનાગઢમાં ખરાબ રસ્તાઓને લઈને મહિલાઓનું વિરોધ પ્રદર્શન, ઘરનું કામ છોડી લોકોની અવરજવર રોકાવી દીધી

જૂનાગઢ શહેરના વોર્ડ નંબર ૨ વિસ્તારના વિશ્ર્વાસ સિટીના રહીશો દ્વારા બિસ્માર રસ્તા મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તો બનાવવામાં નહીં આવતા મહિલાઓ રસ્તા પર ઉતરી હતી. જ્યારે ભાજપના વોર્ડ નંબર બે ના ભાજપના કોર્પોરેટર સામે પણ ગંભીર આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા છે.

શહેરમાં ભૂગર્ભ ગટર સહિતની કામગીરી માટે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાઓ બનાવવામાં નથી આવ્યા જેના કારણે અનેક વિસ્તારોમાં લોકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે ત્યારે જૂનાગઢ શહેરના ખલીલપુર રોડ પર આવેલા વિશ્ર્વાસ સિટી ઓમ નગરના રહીશો દ્વારા ખરાબ રસ્તા મુદ્દે ચક્કાજામ કરી આંદોલન કર્યું હતું. છેલ્લા સાત મહિનાથી રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે પરંતુ ન કોઈ કોર્પોરેટર કે ન મહાનગરપાલિકાના અધિકારીઓ આ વિસ્તારની મુલાકાતે આવ્યા છે જેને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

બિસ્માર રસ્તાથી ત્રાહિમામ પોકારી ગયેલા ઓમ નગર વિસ્તારની ઘરનું કામકાજ સાઈડમાં છોડીને મહિલાઓ રસ્તા પર ઉતરી હતી. છેલ્લા સાત મહિનાથી રસ્તાના અભાવે આ વિસ્તારમાં રહેતા ૪૦૦૦ થી પણ વધુ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વારંવાર તોડી નખાતા રસ્તાને કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચોમાસાની શરૂઆતમાં રોડ તોડી નાખવામાં આવ્યો હતો અને દિવાળી સુધીમાં બની જશે તેવી મોટી મોટી વાતો કરવામાં આવી હતી. ચોમાસું ગયું, દિવાળી પણ ચાલી ગઈ તેમ છતાં હજી સુધી રસ્તાઓ બનાવવામાં નથી આવ્યા જ્યાં સુધી રસ્તાઓ બનાવવામાં નહીં આવે ત્યાં સુધી હવે આ વિસ્તારમાં લોકોની અવરજવર પર લોકોએ પ્રતિબંધ મૂક્યો છે અને રસ્તાઓ બંધ કરી દીધા છે.

રોડની ખરાબ સ્થિતિને કારણે વૃદ્ધ લોકો, બાળકો જીવના જોખમે આ રસ્તો પસાર કરી રહ્યા છે. સ્કૂલના વાહનો પણ કે શાકભાજીની લારીવાળાઓ પણ આ વિસ્તારમાં આવતા નથી. બીજી તરફ રસ્તો બનાવવા માટે સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં કોર્પોરેટરો ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હોવાના આક્ષેપો કર્યા છે. ભાજપના કોર્પોરેટર સામે સ્થાનિક લોકોએ ચૂંટણીનો રાગદ્વેષ રાખ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે અને તમે અમને મત નથી આપ્યા જેથી કામ નહીં થાય તેવો આક્ષેપ કોર્પોરેટર સામે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના મોટાભાગના રસ્તાઓ વારંવાર તોડી નખાતા પારાવાર મુશ્કેલી લોકોને ભોગવી પડી રહી છે પરંતુ જાડી ચામડીના નેતાઓ અને અધિકારીઓને જાણે કે કોઈ ફરક જ નથી પડતો તેવું લાગી રહ્યું છે.