અમદાવાદ-ભાવનગર હાઈવે પરથી ૧.૦૧ કરોડની એમ્બરગ્રીસ સાથે યુવક ઝડપાયો

સ્ટેટ મોનિટરિંગ સેલએ અમદાવાદ-ભાવનગર હાઈવે પર મોટી કાર્યવાહી કરીને અંદાજે ૧.૦૧ કરોડની કિંમતનું ૧.૦૧ કિલો એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલ્ટી) જપ્ત કર્યું છે. આ મામલે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે, જ્યારે પૂછપરછ દરમિયાન ભાવનગરના વધુ બે શખ્સોના નામ સામે આવ્યા છે.

ગુજરાતના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી જી.એસ. મલિકની સૂચના અનુસાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ એ.જે. ચૌહાણની ટીમે અમદાવાદથી ભાવનગર જતા હાઈવે પર પીપળી ગામ નજીક આવેલી રાજ ચામુંડા હોટલમાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પીપળી ગામના મેહુલ વિક્રમભાઈ ચૌહાણ પાસેથી પાંચ અલગ-અલગ કદના એમ્બરગ્રીસના ટુકડા મળી આવ્યા હતા. ફોરેસ્ટ વિભાગ અને એફએસએલ દ્વારા પ્રાથમિક તપાસમાં તે એમ્બરગ્રીસ હોવાનું પુષ્ટિ થતાં કુલ ૧ કિલો ૧૦ ગ્રામ વજનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેની બજાર કિંમત અંદાજે ૧,૦૧,૦૦,૦૦૦ હોવાનું પોલીસનું કહેવું છે. રોકડ સહિત કુલ ૧,૦૧,૦૧,૮૨૦નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. આરોપીની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ હેઠળ અટકાયત કરીને ધોલેરા પોલીસ સ્ટેશનમાં સ્ટેશન ડાયરી એન્ટ્રી નોંધવામાં આવી છે.

પોલીસ પૂછપરછમાં મેહુલે જણાવ્યું કે તે અગાઉ ભાવનગરમાં હીરા ઘસવાનું કામ કરતો હતો. તે દરમિયાન હીરાના કારખાનામાં કામ કરતા પવન કોળીએ તેને એક મહિના પહેલાં એમ્બરગ્રીસનો જથ્થો સાચવવા માટે આપ્યો હતો અને વેચાણ થયા બાદ કમિશન આપવાની વાત કરી હતી. ત્યારબાદ પવન કોળીના મિત્ર પ્રવીણ ચૌહાણે ખરીદદાર મળ્યાની જાણ કરતાં મેહુલ આ જથ્થો પહોંચાડવા ગયો હતો, જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલે તેને રંગેહાથ ઝડપી લીધો હતો.એમ્બરગ્રીસને સામાન્ય ભાષામાં ‘વ્હેલ માછલીની ઉલ્ટી’ તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ ઉચ્ચ ગુણવત્તાના પરફ્યુમમાં ફિક્સેટિવ તરીકે થાય છે, જેના કારણે સુગંધ લાંબા સમય સુધી ટકી રહે છે. ઉપરાંત ધૂપ, સુગંધિત તેલ અને રાજવી સુગંધિત ઉત્પાદનોમાં પણ તેનો ઉપયોગ થાય છે. આંતરરાષ્ટÙીય બજારમાં તેની કિંમત કરોડો રૂપિયામાં હોવાનું માનવામાં આવે છે.