આ તો ખોટું કહેવાય! ખાડા પૂરવામાં પણ તંત્રનો દેખાડો! અડધા ખાડા પૂરી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ?

પંચમહાલ સમાચારની અહેવાલ બાદ તંત્ર જાગ્યું ખરૂ,પરંતુ સ્થળ પરની કામગીરી જોઈ સવાલ ઊભો થયો અધિકારીઓ ઓફિસમાં બેસીને આદેશ આપે છે કે ગ્રાઉન્ડ પર આવી હકીકત પણ જુએ છે?

બાલાસિનોર રૈયોલી જેઠોલી માર્ગની બિસ્માર હાલત અંગે પંચમહાલ સમાચાર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. રસ્તા પરના ખાડા પૂરવાની કામગીરી શ‚ કરાઈ હોવા છતાં, સ્થળ પરની સ્થિતિ જોતા કામગીરી સામે જ ગંભીર સવાલો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ રસ્તા અડધા-અધૂરા ખાડા પૂરીને તંત્રે જાણે કામ પૂર્ણનો દેખાડો કર્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ અહેવાલમાં રસ્તાની ખરાબ હાલત અને કમરતોડ ખાડાઓનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, તો બીજી તરફ તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાઈ. પરંતુ સવાલ એ છે કે જો અધિકારીઓએ ખરેખર સ્થળ પર જઈને ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હોત તો શું માત્ર દેખાતા થોડાક ખાડા પૂરીને કામગીરી અટકાવી દેવામાં આવી હોત?

સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગના અનેક ભાગોમાં હજુ પણ ખાડા અને ઉબડખાબડ સપાટી યથાવત છે. માત્ર ખાડા પૂરવાથી રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ આવવાનો નથી. જ્યાં રસ્તો જ તૂટી ગયો હોય ત્યાં પેચવર્ક નહીં, પરંતુ ગુણવત્તાયુક્ત ડામરકામ જ‚રી છે. ઓફિસમાં બેસીને આદેશ નહીં, સ્થળ પર આવીને હકીકત જુઓ તંત્રના અધિકારીઓને હવે સવાલ એ છે કે ખાડા પૂરી દેજો એવો આદેશ ઓફિસમાં બેસીને આપી દેવાથી જવાબદારી પૂરી થઈ જાય છે? અધિકારીઓએ એક વખત વાહનમાં બેસીને બાલાસિનોરથી રૈયોલી થઈ જેઠોલી સુધીનો માર્ગ પસાર કરવો જોઈએ. ત્યારે જ ખબર પડશે કે સમસ્યા કેટલા ખાડાની છે કે પછી આખા માર્ગની છે.રસ્તા પરથી દરરોજ ગ્રામજનો,વિદ્યાર્થીઓ,ખેડૂતો અને વાહનચાલકો પસાર થાય છે. ખરાબ માર્ગના કારણે અકસ્માતનું જોખમ પણ ઊભું થાય છે. આવી સ્થિતિમાં અડધા ખાડા પૂરીને ફોટો અને કાગળ પર કામગીરી બતાવવી એ લોકોની સમસ્યાનો ઉકેલ નથી.કામ થયું બતાવવાની ઉતાવળ કે ખરેખર રસ્તો સુધારવાની ઇચ્છા?પંચમહાલ સમાચારના અહેવાલ બાદ તંત્ર જાગ્યું તે સારી બાબત છે, પરંતુ કામગીરી કાગળ પર નહીં, રસ્તા પર દેખાવી જોઈએ. તંત્રએ સમગ્ર બાલાસિનોર રૈયોલી જેઠોલી માર્ગનું તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી જ્યાં જ્યાં ખાડા અને રસ્તાની સપાટી ખરાબ છે ત્યાં યોગ્ય રીતે સમારકામ કરાવવું જોઈએ.

લોકોની માંગ સ્પષ્ટ છે અડધા ખાડા નહીં, આખો રસ્તો સુધારો. દેખાડાનું પેચવર્ક નહીં, ટકાઉ ડામરકામ કરો.

હવે જોવાનું એ છે કે તંત્ર ખરેખર ગ્રાઉન્ડ પર ઉતરીને સમગ્ર માર્ગની સ્થિતિ તપાસશે કે પછી ઓફિસમાં બેસીને ખાડા પૂરાઈ ગયા કહીને ફાઇલ બંધ કરી દેશે?