ધાનપુરના લીલીઆંબા ગામેથી ઝોલાછાપ તબીબને ઝડપ્યો

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લીલીઆંબા ગામેથી દાહોદ એસઓજી પોલીસે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો એક બોગસ તબીબને ઝડપી પાડી ક્લિનીકમાંથી દવાઓ અને સારવારના સાધનો સહિત રૂ.૭,૧૧૫/-નો મુદ્દામાલ જપ્ત કરાયો હોવાનુ જાણવા મળે છે.

દાહોદ એલઓજી પોલીસે બાતમીના આધારે મેડિકલ ઓફિસરને સાથે રાખી ધાનપુરના લીલીઆંબા ગામે પટેલ ફળિયામાં ચાલતા ક્લિનીકમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં બોગસ તબીબ પલાસ ખોકન બક્ષી(રહે.પશુપતિનાથ નગર, ગોદી રોડ, દાહોદ)મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર વિના ક્લિનીક ચલાવી દર્દીઓની સારવાર ચલાવતો હતો. દાહોદ એસઓજીની ટીમે સ્થાનિક મેડિકલ ઓફિસર અને બે પંચોને સાથે રાખીને ક્લિનીકમાં તપાસ કરી હતી. જેમાં ઉપરોકત બોગસ તબીબ દર્દીઓની સારવાર કરતો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન જુદા જુદા પ્રકારની દવાઓ, ગોળીઓ, બોટલો, ઈન્જેકશન અને સારવારના સાધનો મળ્યા હતા.જપ્ત કરાયેલ મુદ્દામાલ સહિત પોલીસે પલાસ બક્ષી સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૨૫ અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એકટ-૧૯૬૩ ની કલમ ૩૦ અને ૩૩ હેઠળ કતવારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવા પામ્યો છે.